બિઝનેસ

સંકટ હજુ ટળ્યું નથી… સોના-ચાંદી પછી, સરકાર હવે લઈ શકે આ 5 મોટા નિર્ણયો

Nomura India Petrol Diesel Price Hike: કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી (Import Duty) 6% થી વધારીને 15% કર્યા બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ આવી શકે છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરા ઇન્ડિયા (Nomura India) ના અહેવાલ મુજબ, દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા અને ચાલુ ખાતાની ખાધ (CAD) ને કાબૂમાં લેવા માટે સરકાર આગામી અઠવાડિયા કે મહિનાઓમાં વધુ કેટલાક કડક નીતિગત નિર્ણયો લઈ શકે છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

પેટ્રોલ અને ડીઝલમાં ₹5 સુધીના વધારાની આશંકા

નોમુરાએ વિવિધ સમાચાર અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે દેશની નાણાકીય સ્થિતિ સુધારવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹5 સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવી શકે છે. નોમુરાના અંદાજ મુજબ, ભારતના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે કે ફુગાવાના બાસ્કેટમાં પેટ્રોલ-ડીઝલનો હિસ્સો 4.8% છે. જો ઇંધણના ભાવમાં ₹5 નો વધારો થાય, તો તેનાથી દેશના મુખ્ય ફુગાવાના દરમાં 25 થી 30 બેસિસ પોઈન્ટ્સ (bps) નો વધારો થઈ શકે છે, જે બજારમાં અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી કરશે.

વધુ કડક પગલાં આવી શકે છે

નોમુરાના મતે, વડાપ્રધાને તાજેતરમાં નાગરિકોને ઊર્જા અને સોનાનો વપરાશ ઘટાડવા જે અપીલ કરી છે તે દર્શાવે છે કે સરકાર આર્થિક મોરચે કોઈ જોખમ લેવા તૈયાર નથી. આગામી સમયમાં સરકાર બિન-નાણાકીય નીતિઓ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય બિન-આવશ્યક ચીજવસ્તુઓની આયાત પરના નિયમો વધુ કડક બનાવી શકે છે. આ ઉપરાંત, વિદેશી ચલણ એકત્ર કરવા માટે વિશેષ બોન્ડ જારી કરવા, વિદેશી રોકાણ માટે કર રાહત આપવી અને આયાતકારો માટે કરન્સી હેજિંગની શરતો બદલવા જેવા પગલાં પણ વિચારાધીન છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નાણાકીય વર્ષ 2027 માં મોટી ખાધનો અંદાજ

બ્રોકરેજ ફર્મના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2027 માં ભારતની ચૂકવણીનું સંતુલન (Balance of Payments) $70 બિલિયનથી વધુની ખાધમાં રહેવાનો અંદાજ છે. આ જ કારણે સરકારે સોના-ચાંદી પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% કૃષિ સેસ (AIDC) લાદીને કુલ ટેક્સ 15% કર્યો છે. બુધવારે સરકારી આદેશ બાદ વાયદા બજાર (MCX) માં સોનામાં ₹11,000 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹22,000 નો ભારે ઉછાળો આવ્યો હતો, અને આજે પણ બજારમાં તેજીનો માહોલ યથાવત છે. ટૂંકમાં, સરકારનું હવે પછીનું સંપૂર્ણ ધ્યાન આયાત અને નિકાસ વચ્ચેના અંતરને ઘટાડી અર્થતંત્રને સ્થિર કરવા પર કેન્દ્રિત રહેશે.

આ પણ વાંચો: બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારની તૈયારી : સપ્તાહના પાંચ દિવસ કાર્યની ફરી ઉઠી માંગ

Back to top button