કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને વધારાનો 10 % LPG કોટા મળશે

- આ પગલાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોને રાહત મળવાની અપેક્ષા છે, જેઓ લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને કિંમતો અંગે ચિંતાનો સામનો કરી રહ્યા છે
LPG Crisis: કેન્દ્ર સરકારે કોમર્શિયલ સિલિન્ડર અંગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર વેપારીઓ અને સામાન્ય વપરાશકારો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે, જે વધતી માંગ અને પુરવઠાને સંતુલિત કરવામાં મદદ કરશે. આ પગલાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોને રાહત મળવાની અપેક્ષા છે, જેઓ લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને કિંમતો અંગે ચિંતાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારે બુધવારે જણાવ્યું હતું કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ની સ્થિતિ હજુ ચિંતાજનક છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને (UTs) ને કોમર્શિયલ LPG ની વધારાની 10% ફાળવણીની ઓફર કરી છે. અહેવાલો અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે LPG ની સ્થિતિ ચિંતાજનક છે. ઓનલાઈન બુકિંગમાં સુધારો થયો છે, જોકે ડિસ્ટ્રીબ્યુટરોના ત્યાં હજુ પણ લાંબી લાઈનો લાગી છે.
સહાયતા માળખા હેઠળ મોટું પગલું
કોમર્ષિયલ LPG પુરવઠામાં સુધારો કરવા અને શહેરી ગેસ વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે સહાય માળખા હેઠળ એક મોટું પગલું ભર્યું છે. આ યોજના હેઠળ વિવિધ સુધારા પગલાંના આધારે રાજ્યોને વધારાના કોમર્શિયલ LPG નું વિતરણ કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર જે રાજ્યો શહેરી ગેસ વિતરણ (CGD) અરજીઓને મંજૂરી આપવા અને ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સમિતિઓ બનાવે છે તેમને 1 ટકા વધારાની LPG ફાળવણી પ્રાપ્ત થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ રાજ્યોને 2 ટકા વધારાની ફાળવણી
વધુમાં જે રાજ્યો શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે ડીમ્ડ CGD પરવાનગીઓ આપવાના આદેશો જારી કરે છે તેમને 2% વધારાની ફાળવણી મળશે. જે રાજ્યો માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ડિગ એન્ડ રિસ્ટોર સ્કીમ લાગુ કરે છે તેમને 3% વધારાના LPG પુરવઠાનો લાભ મળશે, જેનાથી પાઇપલાઇન નાખવા અને સમારકામના કામમાં અવરોધો ઓછા થશે. જે રાજ્યો શહેર ગેસ વિતરણ કંપનીઓ માટે વાર્ષિક ભાડા અથવા લીઝ ફી ઘટાડે છે તેમને 4% વધારાની LPG ફાળવણી મળશે. સરકાર માને છે કે આ માળખું માત્ર ગેસ પુરવઠા પ્રણાલીમાં સુધારો કરશે નહીં પરંતુ વ્યવસાયો અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ પણ પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ LPG સ્ટોરેજ ખતમ થાય તો પણ ચિંતાની જરૂર નથી, જાણો દેશમાં કેટલા દિવસ ચાલે એટલો કોલસો ઉપલબ્ધ?












