ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસ : જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે રાજકોટ બાદ હવે ગોંડલ કોર્ટમાં ફરિયાદ
- દિગપાલસિંહ, જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ
- ત્રણ દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
- મારા પિતાને દબાણ કરીને વીડિયો બનાવવા મજબુર કરાયા હતા : સગીરા
ગોંડલ પંથકનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં જેની પર હનિટ્રેપનો આરોપ મૂકવામાં આવ્યો છે તે સગીરાએ ત્રણ દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યા બાદ હવે ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૨૮ લોકો વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
દિગપાલસિંહ, જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ
રીબડાનાં ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટમાં ગત તા.૯મીએ ફરિયાદ કર્યા બાદ ગોંડલની જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં પૂર્વ જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, રાજકોટ શહેર ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવા, ગોંડલનાં ડીવાયએસપી કે. જી. ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. પરમાર ઉપરાંત જયરાજસિંહનાં માણસો દિગપાલસિંહ, જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે.
ગોંડલ કોર્ટમાં કરેલી ફરિયાદમાં સગીરાએ આક્ષેપ કર્યો
ગોંડલ કોર્ટમાં કરેલી ફરિયાદમાં સગીરાએ આક્ષેપ કર્યો છે કે, ‘મને જયરાજસિંહનાં માણસો જે-તે સમયે પોલીસ કે કોર્ટ સમક્ષ સત્ય હકીકત કહેવા દેતા નહોતા. મને દબાણ કરતા હતા અને તે લોકો કહે તે નામ નિવેદનમાં લખાવવા માટે ધમકાવતા હતા. હું અગાઉ કહેતી હતી કે આ લોકો મારા ઘર સુધી પહોંચી જશે. એ જ રીતે મારા પિતાને દબાણ કરીને વીડિયો બનાવવા મજબુર કરાયા હતા. આ કાવતરામાં અમારા ગામનાં સરપંચ પણ સામેલ છે.’ સગીરાનાં વકીલ ભૂમિકા પટેલે કહ્યું કે, ‘સગીરાને ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ ગોંધી રખાઇ હતી. અમે શ્રી હોટેલ, ડીવાયએસપી કચેરી તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજની માંગ કરી છે.’
આ પણ વાંચો: જામનગર: PSI અને રાઇટર વતી 1 લાખની લાંચ લેનાર SOGનો પોલીસકર્મી 1 દિવસના રિમાન્ડ પર












