Zomato-Swiggy ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ સામે ગિગ વર્કર્સનું હડતાળનું એલાન, કરી આ માંગ

Gig Workers Strike Petrol Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા બાદ હવે તેની અસર એપ આધારિત ડિલિવરી અને કેબ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ગિગ અને પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (GIPSWU) એ ઇંધણના વધતા ભાવ સામે પ્રદર્શનની જાહેરાત કરી છે. યુનિયને કહ્યું છે કે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગિગ વર્કર્સ એપ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરશે.
યુનિયનનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાથી સૌથી વધુ અસર ડિલિવરી બોય અને ડ્રાઇવરો પર પડી રહી છે. Swiggy, Zomato, Blinkit, Zepto, Ola, Uber અને Rapido જેવી કંપનીઓ માટે કામ કરતા લાખો વર્કર્સ પોતાની કમાણી માટે સંપૂર્ણ રીતે બાઈક અને સ્કૂટર પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ઈંધણના ભાવ વધવાથી તેમની દૈનિક બચત સતત ઘટી રહી છે.
પ્રતિ કિલોમીટર 20 રૂપિયાની માંગ
યુનિયને કંપનીઓ પાસે માંગ કરી છે કે ગિગ વર્કર્સ માટે ઓછામાં ઓછો 20 રૂપિયા પ્રતિ કિલોમીટર સર્વિસ રેટ નક્કી કરવામાં આવે. યુનિયનનું કહેવું છે કે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે ત્યારે ખર્ચ તરત જ વધી જાય છે, પરંતુ કંપનીઓ ડિલિવરી ચાર્જ અથવા પ્રતિ કિલોમીટર ચુકવણીમાં વધારો કરતી નથી.
GIPSWU ના પ્રમુખ સીમા સિંહે જણાવ્યું હતું કે ડિલિવરી વર્કર્સ પહેલાથી જ દબાણ હેઠળ છે, તેઓ ગરમીમાં લાંબા સમય સુધી કામ કરી રહ્યા છે. હવે, ઇંધણના ભાવે તેમની સમસ્યાઓ વધારી દીધી છે. તેમણે ઉમેર્યું હતું કે જો કંપનીઓ તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય નહીં લે, તો તેઓ ભવિષ્યમાં તેમના વિરોધને વધુ તીવ્ર બનાવશે.
1 કરોડથી વધુ વર્કર્સ પર અસર
યુનિયનના નેશનલ કોઓર્ડિનેટર નિર્મલ ગોરાણાએ કહ્યું કે દેશમાં લગભગ 1 કરોડ 20 લાખ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ છે. તેમાં ફૂડ ડિલિવરી, ગ્રોસરી ડિલિવરી, લોજિસ્ટિક્સ અને કેબ સેવાઓ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સીધી અસર આ વર્કર્સની આવક પર પડે છે, કારણ કે તેમને પોતાના ખિસ્સામાંથી પેટ્રોલ, વાહનની સર્વિસ અને અન્ય ખર્ચો ભરવો પડે છે.
સરકાર પાસે પણ કરી માંગ
યુનિયને સરકાર પાસે પણ માંગ કરી છે કે એપ આધારિત કંપનીઓને ચુકવણી વધારવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે, જેથી કામદારો પર વધતા ઇંધણના ભાવનો બોજ ન પડે. યુનિયનનું કહેવું છે કે શુક્રવારે થનારો આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે અને તેનો હેતુ ગિગ વર્કર્સની આર્થિક મુશ્કેલીઓને સરકાર અને કંપનીઓ સુધી પહોંચાડવાનો છે.
આ પણ વાંચો: મૂર્તિઓ, શ્લોક અને હવનકુંડ…ભોજશાળામાં મળેલા આ પૂરાવા હિંદુઓને જીતાડી ગયા












