ગુજરાત

ગુજરાતના પાવર ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ: ગીર સોમનાથ બાદ વધુ 7 સ્થળોએ સ્થાપિત થશે આધુનિક ‘STATCOM’ ટેક્નોલોજી

GETCO STATCOM Technology: એક સમયે વીજ અછતનો સામનો કરતું ગુજરાત રાજ્ય આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઊર્જા ક્ષેત્રે દેશભરમાં આત્મનિર્ભર અને અગ્રેસર બન્યું છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યા બાદ, હવે રાજ્ય સરકાર વીજળીની ગુણવત્તા અને ગ્રીડ મેનેજમેન્ટને વધુ આધુનિક બનાવવા જઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન STATCOM (સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર) સફળતાપૂર્વક કાર્યરત કર્યા બાદ, ઊર્જા વિભાગે હવે રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો પર પણ આ અત્યાધુનિક સિસ્ટમ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.

શું છે આ ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ અને GETCOનો મોટો રેકોર્ડ?

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ પાવર ગ્રીડ માટે ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે કામ કરે છે. તે ગ્રીડમાં વોલ્ટેજના ઉતાર-ચઢાવને પળવારમાં નિયંત્રિત કરીને સતત અને સ્થિર વીજ પ્રવાહ જાળવી રાખે છે. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે +-125 MVAR ક્ષમતાનું પ્રથમ STATCOM સ્થાપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સાથે જ GETCO સમગ્ર ભારતમાં આ આધુનિક પાવર ટેક્નોલોજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની ગઈ હતી.

કૃષિ ક્ષેત્રમાં વોલ્ટેજની સમસ્યા નિવારવા STATCOM બન્યું આશીર્વાદ

ગુજરાતમાં ખાસ કરીને ખેતીવાડી (કૃષિ) ક્ષેત્રમાં વીજળીનો વપરાશ ખૂબ વધારે અને અનિયમિત રહે છે, જેના કારણે પાવર ગ્રીડ પર દબાણ વધે છે અને વોલ્ટેજની સ્થિરતા જાળવવી પડકારજનક બને છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર ગ્રીડને સ્થિર સપોર્ટ તો આપે છે, પરંતુ માંગમાં સેકન્ડોમાં થતા બદલાવ સામે તે અપૂરતા સાબિત થાય છે. ટીંબડી સબસ્ટેશન નજીક કોઈ મોટો વીજ ઉત્પાદન પ્લાન્ટ ન હોવાથી, ત્યાં અગાઉ વોલ્ટેજ 190 kV થી લઈને 245 kV વચ્ચે સતત પલટાતો રહેતો હતો. પીક ઓવર્સમાં વોલ્ટેજ ઘટી જતો અને ચોમાસા જેવા લો-ડિમાન્ડના ગાળામાં વોલ્ટેજ અચાનક વધી જતો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રિયલ-ટાઇમમાં ગ્રીડની સ્થિતિ પર નજર

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ તરીકે STATCOM સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી. આ સિસ્ટમ રિયલ-ટાઇમમાં ગ્રીડની સ્થિતિ પર નજર રાખે છે અને જરૂરિયાત મુજબ રિએક્ટિવ પાવર આપીને અથવા વધારાનો પાવર શોષીને વોલ્ટેજને સ્થિર રાખે છે. આ ટેક્નોલોજીથી ટ્રાન્સમિશન લાઇન પરનો ભાર ઘટ્યો છે, વીજળીનો બગાડ (લોસ) ઓછો થયો છે અને સબસ્ટેશનના મોંઘા સાધનોની સુરક્ષા પણ વધી છે. પરિણામે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો તેમજ ઉદ્યોગોને હવે કોઈપણ અવરોધ વગર ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે.

ટીંબડીની સફળતા બાદ હવે આ 7 સ્થળોએ લાગશે નવી સિસ્ટમ

ગીર સોમનાથ ખાતે મળેલી અભૂતપૂર્વ સફળતાને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે હવે રાજ્યના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત કરવા માટે અન્ય 7 સબસ્ટેશનો પસંદ કર્યા છે. આ નવા પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વર્તમાન છ 220 kV સબસ્ટેશનો—થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રા—તેમજ ભવિષ્યમાં આકાર લેનારા 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે +-125 MVAR ક્ષમતાવાળા નવા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ આયોજનબદ્ધ પગલાથી આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વીજ વિક્ષેપની સમસ્યાઓ ભૂતકાળ બની જશે.

આ પણ વાંચો: કચ્છમાં મધ્યાહન ભોજન યોજના માટે મોટી ભરતી જાહેર, અંજાર અને અબડાસામાં 24 કેન્દ્રો માટે અરજીઓ મંગાવાઈ

Back to top button