અમદાવાદગુજરાત

અમદાવાદમાં 2022ના ભાજપ કાર્યકર્તા હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા

અમદાવાદ, 19 ડિસેમ્બર 2025: અમદાવાદના ખડિયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફે બોબી મહેતાની હત્યાના કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.

દોષિતોમાં મોન્ટુ નામદાર (મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી), વિશ્વ રામી (વિષ્ણુ રામી), જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાનો સમાવેશ થાય છે. આ ચારેયને હત્યા, ગુનાહિત કાવતરું અને અન્ય આરોપો હેઠળ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

ઘટના ૮ જૂન ૨૦૨૨ની છે, જ્યારે ખડિયાના હજીરા ની પોળ પાસે મોન્ટુ નામદાર અને તેના સાથીઓએ હોકી સ્ટિક અને બેઝબોલ બેટ વડે બોબી મહેતા પર હુમલો કરી તેમની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે આ હત્યા રાજકીય વૈમનસ્યને કારણે નહીં, પરંતુ લાંબા સમયથી ચાલતા પારિવારિક અને મિલ્કત વિવાદને કારણે થઈ હતી.

મોન્ટુ નામદારે ૧૯૯૨માં પોતાની પિતરાઈ બહેન નમ્રતા ગાંધી સાથે ભાગીને લગ્ન કર્યા હતા, જેનો વિરોધ તેના સસરા પક્ષે હતો. આ વિવાદમાં ૧૯૯૩માં નામદારના કાકાની હત્યા થઈ હતી. તાજેતરમાં ૨૦૨૦માં મિલ્કતના વસિયતનામામાં નમ્રતાનું નામ ન હોવાથી નામદાર ગુસ્સે થયો હતો. બોબી મહેતા આ વસિયતનામાનો સાક્ષી હતા અને પવન ગાંધીના મિત્ર હોવાથી નામદારને તેમની વિરુદ્ધમાં ગણતા હતા. નામદારે મહેતાને ખોટું એફિડેવિટ આપવા દબાણ કર્યું હતું, જેનો ઇનકાર કરતાં આ હત્યા આચરી હતી.

આ કેસમાં મોન્ટુ નામદાર વારંવાર જેલમાંથી ભાગી છૂટ્યો હતો અને ૨૦૨૪માં ફરી પકડાયો હતો. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે, જ્યારે કોર્ટે આરોપીઓની ક્રૂરતાને ધ્યાનમાં રાખી કડક સજા ફટકારી છે.

આ પણ વાંચો: અદાણી પાસે ₹9,91,63,13,00,000 છે, તેમની નજર હવે દેશના 11 એરપોર્ટ પર,કયાં કયાં છે યાદીમાં?

Back to top button