વીમાની 2 કરોડની રકમ મેળવવા માટે સગા દીકરાની કરી હત્યા, વકીલ મિત્રના પ્લાનથી પોલીસ પણ ચકરાવે ચઢી

ઉત્તર પ્રદેશ: 6 ડિસેમ્બર, 2025: UP Crime: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ વીમાની રકમ મેળવવા માટે પોતાના જ પુત્રની હત્યા કરાવી નાખી. પોલીસે જણાવ્યું કે, પિતાએ આ ગુના માટે કોન્ટ્રાક્ટ કિલર્સને રૂ. 3.5 લાખ આપ્યા હતા. હત્યા બાદ, પુત્રના મૃતદેહને અકસ્માતનો દેખાવ આપવા માટે રોડ કિનારે ફેંકી દેવાયો હતો.
2.10 કરોડની એક્સિડેન્ટલ પોલિસી
મળતી માહિતી મુજબ, મૃતક 30 વર્ષીય અનિકેત શર્મા સંભલનો રહેવાસી હતો અને તેની પાસે રૂ. 2.10 કરોડની એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ પોલિસી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અનિકેત બેરોજગાર હતો. અનિકેતના પિતા 50 વર્ષીય બાબુ રામ શર્માએ અમરોહાના એક વકીલ મિત્ર સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બાબુ રામ શર્મા કથિત રીતે અનિકેતને નોકરી અપાવવાના બહાને મુરાદાબાદ લાવ્યા હતા, જ્યાં તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને રોડ કિનારે છોડી દેવામાં આવ્યો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખૂલ્યું રહસ્ય
16 નવેમ્બરે મુરાદાબાદના કુંડરકીમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસને તે અકસ્માત લાગ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, યુવકના માથા પર કોઈ ભારે વસ્તુથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.
પિતા પર શંકા:
હત્યાનો ખુલાસો થવા છતાં, પિતા બાબુ રામ પોલીસની વાતને નકારતા રહ્યા અને તેને અકસ્માત ગણાવતા રહ્યા. બાબુ રામ એ વાત છુપાવતા હતા કે અનિકેત પાસે રૂ. 2.10 કરોડની એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ પોલિસી હતી.
વકીલ મિત્રએ હત્યા માટે ઉશ્કેર્યો
પોલીસે બાબુ રામને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો. બાબુ રામે જણાવ્યું કે અનિકેત દારૂ પીને દરરોજ ઘરમાં ઝઘડો કરતો હતો, જેનાથી તે ખૂબ પરેશાન હતા. તેમણે આ વાત પોતાના વકીલ મિત્ર આદેશ કુમારને જણાવી. 2 જાન્યુઆરી, 2024ના રોજ વકીલ આદેશે HDFC બેન્કમાં અનિકેતનું ખાતું ખોલાવ્યું અને ટાટા કંપનીમાંથી રૂ. 2.10 કરોડ (જોકે બાબુ રામને 25 લાખ જ જણાવ્યા હતા)નો વીમો કરાવ્યો. વકીલ પોતે જ પ્રીમિયમ ભરતો હતો. જામીન પર બહાર આવ્યા બાદ વકીલે બાબુ રામને ઉશ્કેર્યા કે પુત્રની હત્યા કરાવી દે તો 250 લાખ મળશે. આ લાલચમાં, બાબુ રામે રૂ. 3.5 લાખમાં રામપુરના અસલમ ઉર્ફે સુલતાનને પુત્રની સોપારી આપી.
કોન્ટ્રાક્ટ કિલર્સ અસલમ, તહબ્બુર મેવાતી અને સાજીદે મળીને અનિકેતના માથા પર રોડ મારી હત્યા કરી અને મૃતદેહને અકસ્માતનો દેખાવ આપવા માટે ફેંકી દીધો અનિકેતના પિતા બાબુ રામ શર્મા અને ત્રણેય ભાડુતી હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે, મુખ્ય કાવતરાખોર વકીલ અને તેના સાથીની શોધખોળ ચાલુ છે.












