ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોંઘવારીએ દાટ વાળ્યો: તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો, સિંગતેલમાં 50નો વધારો

રાજકોટ: આગામી તહેવારોની તૈયારીની વચ્ચે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના મુખ્ય વેપારી કેન્દ્ર રાજકોટના માર્કેટ યાર્ડ અને તેલ બજારમાં ખાદ્યતેલના ભાવમાં અચાનક તોતિંગ વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત તમામ મુખ્ય ખાદ્યતેલો મોંઘા થતાં રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.

સિંગતેલ અને કપાસિયા પર સૌથી વધુ અસર

બજારના વેપારી સૂત્રો અનુસાર, મધ્યમ વર્ગના ઘરોમાં સૌથી વધુ વપરાતા સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં એકસાથે રૂ. 50નો વધારો થયો છે. હવે આ ડબ્બાની કિંમત રૂ. 2820 થઈ ગઈ છે.

જ્યારે મોટાભાગના પરિવારોની પ્રથમ પસંદગી ગણાતા કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં રૂ. 30નો વધારો થયો છે અને તેની કિંમત હવે રૂ. 2670 પર પહોંચી ગઈ છે.

અન્ય તેલો પણ થયા મોંઘા

આ ભાવવધારાની અસર માત્ર આ બે તેલો સુધી જ સીમિત નથી. પામોલીન, સનફ્લાવર (સૂર્યમુખી) અને મકાઈના તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું કહેવું છે કે કાચા માલની ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિર સ્થિતિને કારણે આ ભાવવધારો થયો છે.

જનતામાં આક્રોશ, તહેવારો પર અસર

ચોમાસાની ઋતુમાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાદ્યતેલના ભાવમાં આ અચાનક વધારો ગૃહિણીઓ અને ફરસાણ ઉત્પાદકો માટે મોટી મુશ્કેલી બની ગયો છે. સામાન્ય નાગરિકોનું કહેવું છે કે “રસોઈનું સૌથી મહત્વનું પદાર્થ મોંઘું થતાં રોજિંદા ખર્ચમાં મોટો વધારો થયો છે. આ રીતે ભાવ વધતા રહેશે તો તહેવારોની ઉજવણી પણ બોજ બની જશે.”

આ ભાવવધારાથી મધ્યમ વર્ગના પરિવારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઘણા લોકો અન્ય વિકલ્પો તરફ વળવાની વાત કરી રહ્યા છે, પરંતુ તે પણ મર્યાદિત છે.

સરકાર અને વેપારીઓ પર નજર આ વધતી મોંઘવારીને લઈને જનતામાં આક્રોશ વધી રહ્યો છે. તહેવારો પહેલાં ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

આ ભાવવધારો સામાન્ય માણસના રસોડા પર મોંઘવારીનો બેવડો માર પુરાવી રહ્યો છે. તહેવારોની ખુશીમાં આ મોંઘવારી ખાટી લાગી રહી છે.

આ પણ વાંચો: સ્તન દબાવવા એ શું રેપની કોશિશ માનવામાં આવશે? હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું

Back to top button