અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં EDના દરોડા: વક્ફની જમીન પર ગેરકાયદે કબજો કરનાર આરોપીને ઘરે પડી રેડ

અમદાવાદ, 6 મે 2025: આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કારણ કે ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હતી. જોકે, આ જમીન પર છેલ્લાં કેટલાંક સમયથી સલીમ જુમ્માખાન પઠાણ નામના શખશે તેને ગેરકાયદે પચાવી પાડી તેના પર દબાણ કર્યું હતું.

જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વમ્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

સલીમ ખાન સહિત પાંચ લોકોએ જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં ગેરકાયદે દુકાનો અને મકાનો બનાવી લાખો રૂપિયા પડાવ્યા હતાં. સલીમ અને તેના સાથીઓ આ દુકાનનું લાખો રૂપિયા ભાડું વસૂલતા હતાં. આ લોકો ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી મિલકતમાં રહેતા હતાં. આરોપીઓએ આશરે 100 જેટલાં ઘર અને દુકાન આ રીતે ગેરકાયદે લઈને દરેક દુકાન અને ઘર દીઢ 7-8 હજાર રૂપિયા ભાડું વસૂલતા હતાં.

સમગ્ર મામલે E ડિવિઝન ACP દુધાતે જણાવ્યું કે, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ED દ્વારા સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે. કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ જુમ્માખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.

આ પણ વાંચો…રાજ્યમાં બુધવારે યોજનારા મોકડ્રીલ માટે ગૃહ રાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

Back to top button