જન્માષ્ટમીએ દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર, પ્યોર સિલ્કના કેસરી વાઘા અને હીરા-મોતીના હાર

Janmashtami: નંદ ઘેર આનંદ ભયો, જે કન્હૈયા લાલ કી…ના જયઘોષથી આજે દ્વારકાનું જગતમંદિર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવના દિવ્ય દર્શન કરવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચ્યા છે. જન્માષ્ટમીના આ પાવન પર્વે દ્વારકાધીશજીના વિશેષ મહાશૃંગારની પણ વિશેષ ચર્ચા છે. આ અલૌકિક શૃંગાર પાછળ છેલ્લા છ મહિનાથી કારીગરોની અથાગ મહેનત ચાલી રહી હતી.
આ વખતે ઠાકોરજીને અમદાવાદથી પસંદ કરાયેલા પ્યોર સિલ્ક અને રૉ-સિલ્કના કેસરી કાપડમાંથી તૈયાર કરાયેલા વિશેષ વાઘા ધરાવવામાં આવશે. વૃંદાવનના આશરે ૧૫ કારીગરોએ પાંચ મહિના સુધી રાત-દિવસ મહેનત કરીને આ વાઘા તૈયાર કર્યા છે. બીજી તરફ રાજકોટના નિષ્ણાત સોની કારીગરોએ બે મહિનાની મહેનત બાદ હીરા-મોતી જડિત વિશેષ પાટિયાલા હાર તૈયાર કર્યો છે.
जन्माष्टमी के पावन पर्व पर
भगवान श्री द्वारिकाधीशजी के खुले पट पर
पावन स्नान-अभिषेक के दिव्य दर्शन 🙏🏻✨जय श्री द्वारिकाधीश 🙏🏻
#Dwarka #Janmashtami2026 #ShriDwarkadhishMandir #Dwarkadhish #Janmashtami #DwarkaGujarat #ShridwarkadhishmandirOfficial#Gujarat #GujaratTourism pic.twitter.com/eYjvs0nVhf— Shri Dwarkadhish Mandir (@DwarkaOfficial) September 4, 2026
અમદાવાદનું કાપડ, વૃંદાવનના કારીગરોની પાંચ મહિનાની મહેનત
જન્માષ્ટમીના શૃંગાર માટે અમદાવાદથી ખાસ પ્યોર સિલ્ક અને રૉ-સિલ્કનું કેસરી કાપડ પસંદ કરવામાં આવ્યું હતું. આ કાપડ પર વૃંદાવનના ૧૫ જેટલા કારીગરોની ટીમે પાંચ મહિના સુધી ઝીણું જરદોશી કામ કર્યું છે.
સોનેરી તારથી કરવામાં આવેલા બારીક જરદોશી વર્ક સાથે વાઘામાં રેશમનું કામ કરવામાં આવ્યું છે. તેમાં લાલ અને વાદળી રંગના રત્નો તેમજ ચમકતા હીરા જેવા અલંકારોનું જડતર કરીને ફ્રી-હેન્ડ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. વાઘાની સુંદરતામાં વધારો કરતી વિશેષ પીંછવાઈ પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં સૂર્ય પર સોનેરી જરદોશી અને ચંદ્ર પર ચમકતા હીરાનું કામ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં બે મહિનામાં તૈયાર થયો પાટિયાલા હાર
જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકાધીશજીને વિશેષ આભૂષણો ધારણ કરાવવાની પરંપરા છે. આ વર્ષે રાજકોટના નિષ્ણાત સોની કારીગરોએ ભગવાન માટે ખાસ પાટિયારા હાર તૈયાર કર્યો છે. આ હારમાં ચાંદીના પેન્ડન્ટ પર કુંદન, મોતી અને હીરાનું જડતર કરવામાં આવ્યું છે અને તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંદી પર સોનાનું વરખ ચડાવીને ભગવાનના ચાર દિવ્ય આયુધો—શંખ, ચક્ર, ગદા અને પદ્મ પણ ખાસ જન્માષ્ટમી માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સુરતની જરદોશી પીઠિકાથી વધશે શૃંગારની ભવ્યતા
દ્વારકાધીશજીના સિંહાસન અને પીઠિકા માટે સુરતના કારીગરોની પણ મદદ લેવામાં આવી છે. કારીગરોએ રાણી રંગ અને લાલ રંગની બે સુંદર પીઠિકા જરદોશી કામ સાથે તૈયાર કરી છે. જન્માષ્ટમીના દિવસે સવારે ભગવાનને લાલ રંગની પીઠિકા સાથે રૉ-સિલ્કના વાઘા ધરાવવામાં આવશે. જ્યારે મધરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સમયે પરંપરા મુજબ અસલી સોનાની પીઠિકા પર પ્યોર સિલ્કના કેસરી વાઘા સાથે મહાશૃંગાર કરવામાં આવશે.
આ સાથે દ્વારકાધીશજીને મંદિરના પરંપરાગત અસલી માણેક, હીરાના આર અને ચાંદલા પણ ધારણ કરાવવામાં આવશે. મધરાત્રિએ ભગવાનના પ્રાગટ્ય સમયે ભવ્ય આરતી સાથે સમગ્ર જગતમંદિર ભક્તિના દિવ્ય વાતાવરણમાં ઝળહળી ઊઠશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
છ મહિનાની મહેનતનું પરિણામ, હવે ભક્તોને થશે દિવ્ય દર્શન
દ્વારકાધીશજીના આ વિશેષ શૃંગારની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની તૈયારી એક-બે દિવસમાં નહીં, પરંતુ આશરે છ મહિના અગાઉથી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના કાપડથી લઈને વૃંદાવનની જરદોશી કારીગરી, રાજકોટના સોની કારીગરો અને સુરતની પીઠિકા સુધી અનેક શહેરોના કારીગરોની મહેનત આ શૃંગારમાં જોવા મળશે. ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી શૃંગાર માટે કારીગરોએ ખૂબ જ ઝીણવટપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કામ કર્યું છે. હવે જન્માષ્ટમીની મધરાત્રિએ જ્યારે ઠાકોરજીનો આ દિવ્ય મહાશૃંગાર ભક્તો સમક્ષ આવશે, ત્યારે હજારો ભક્તો માટે આ ક્ષણ અવિસ્મરણીય બની રહેશે.












