ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા પર હુમલો કરવાની ભૂલ કરતા નહીં, એવો જવાબ આપીશ કે પસ્તાશો: ટ્રમ્પે ઈરાનને ધમકી આપી

વોશિંગટન, 15 જૂન 2025: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઈરાન પરના તાજેતરના ઇઝરાયલી હુમલાઓમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. જોકે, તેમણે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો ઈરાન અમેરિકા પર હુમલો કરશે, તો અમેરિકન સૈનિકો તેના પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરશે. આ કાર્યવાહી એવી હશે કે ઈરાને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ટ્રમ્પે આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શેર કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, “આજે રાત્રે ઈરાન પરના હુમલા સાથે અમેરિકાનો કોઈ સંબંધ નથી. પરંતુ જો ઈરાન કોઈપણ સ્વરૂપમાં અમેરિકા પર હુમલો કરશે, તો અમેરિકાની સંપૂર્ણ લશ્કરી શક્તિ તેના પર તૂટી પડશે. ઈરાને આવી કાર્યવાહી પહેલા ક્યારેય નહીં જોઈ હોય.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને રોકી શકે છે અને આ લોહિયાળ સંઘર્ષનો અંત લાવી શકે છે.

આ દરમિયાન રવિવારે ઓમાનમાં યોજાનારી અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો રદ કરવામાં આવી છે. ટ્રમ્પે શુક્રવારે જ તેહરાનને અપીલ કરી હતી કે, ઈરાન પાસે ગુમાવવા માટે કંઈ બાકી ન રહે તે પહેલાં તેણે હવે ડીલ કરી લેવી જોઈએ.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ રવિવારે સવારે જાહેરાત કરી કે, તેણે તેહરાનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલય અને SPND પરમાણુ પ્રોજેક્ટ પર વ્યાપક હવાઈ હુમલા કર્યા છે. IDF એ કહ્યું કે તેણે તે સ્થાનને પણ નિશાન બનાવ્યું જ્યાં ઈરાને તેના પરમાણુ આર્કાઇવને છુપાવ્યું હતું. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે આ હુમલો ઈરાનના પરમાણુ ખતરાને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી આ ખતરો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે દાવો કર્યો કે, “અમે ઈરાનના ટોચના સેનાપતિઓ, વૈજ્ઞાનિકો અને પરમાણુ નિષ્ણાતોને નિશાન બનાવીને તેના કાર્યક્રમને વર્ષો પાછળ ધકેલી દીધો છે.”

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: 20 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા, જાણો અત્યાર સુધીમાં કેટલા DNA મેચ થયા

Back to top button