ઇન્ડિગો સામે DGCA નું કડક વલણઃ નોટિસ પાઠવી 24 કલાકમાં માંગ્યો જવાબ, CEO ને કહ્યું, ‘નિષ્ફળતા માટે…’

નવી દિલ્હી: 7 ડિસેમ્બર, 2025: Indigo Crisis: ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સેવાઓમાં છેલ્લા પાંચ દિવસથી સર્જાયેલી ભારે અવ્યવસ્થા અને સેંકડો ફ્લાઇટ્સ રદ થવાના પગલે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે. DGCA એ શનિવારે ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોરક્વેરસને કારણદર્શક (શો-કોઝ) નોટિસ જારી કરી છે અને 24 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે.
ઓપરેશનલ નિષ્ફળતા અને હજારો મુસાફરો પરેશાન
ઇન્ડિગો એરલાઇન્સ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં 60% થી વધુ બજાર હિસ્સો ધરાવે છે. છેલ્લા પાંચ દિવસથી તેમની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાથી કે વિલંબિત થવાથી દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
DGCA નો આક્ષેપ
રેગ્યુલેટરે એલ્બર્સ અને પોરક્વેરસને મોકલેલી નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે, આ મોટા પાયે થયેલી ઓપરેશનલ નિષ્ફળતા એરલાઇનની પ્લાનિંગ, નિરીક્ષણ અને સંસાધન વ્યવસ્થાપન (Resource Management) માં મોટી ચૂક દર્શાવે છે.
CEOની જવાબદારી
નોટિસમાં DGCA એ જણાવ્યું કે, “CEO તરીકે તમે એરલાઇનના મેનેજમેન્ટ માટે જવાબદાર છો, પરંતુ તમે વિશ્વસનીય ઓપરેશન માટે સમયસર વ્યવસ્થા કરવા અને મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની તમારી ફરજમાં નિષ્ફળ રહ્યા છો.”
24 કલાકમાં માંગ્યો જવાબ
નોટિસમાં જણાવાયું છે કે, ફ્લાઇટમાં અવરોધનું મુખ્ય કારણ એરલાઇન દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) યોજનાને સરળતાથી લાગુ કરવા માટેની બદલાયેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા ન કરવી તે છે.
ઉડ્ડયન મંત્રીએ બેઠક યોજી
એક સરકારી અધિકારીએ માહિતી આપી કે શનિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ સ્થિતિની સમીક્ષા કરવા અને મુદ્દાઓ ઉકેલવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે પીટર એલ્બર્સની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. અધિકારીએ કહ્યું કે તપાસ સમિતિના તારણોના આધારે ઇન્ડિગોની ફ્લાઇટમાં થયેલા અવરોધોના મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.












