દિલ્હી પોલીસે દબોચ્યા અનમોલ બિશ્નોઈ ગેંગના પાંચ શૂટરો, કબડ્ડી ખેલાડીની હત્યા સહિત અનેક કેસોમાં સામેલ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે કુખ્યાત આરજુ-અનમોલ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગ સાથે સંકળાયેલા પાંચ ખતરનાક ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ગુનેગારો ઈન્દરપ્રીત સિંહ ઉર્ફે પેરી, રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટા અને લાઇન બાર એન્ડ રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજનની હત્યામાં સામેલ હતા. આ શૂટર્સને લાંબા સમયથી પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પોલીસ શોધી રહી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું કહેવું છે કે આ ગેંગ કોન્ટ્રાક્ટ કિલિંગ, ગેંગવોર અને સંગઠિત ગુનાઓમાં સામેલ હતી. આરોપીઓની ધરપકડથી ગેંગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ હવે તેમના હથિયાર સપ્લાયર્સ, ફંડિંગ અને અન્ય સહયોગીઓને શોધી રહી છે.
બિશ્નોઈ ગેંગના નેટવર્કને મોટો ફટકો
તાજેતરનો મામલો ચંદીગઢમાં ઇન્દ્રપ્રીત સિંહ ઉર્ફે પેરીની હત્યાનો છે. બિશ્નોઈ ગેંગે તેમની એસયુવી પર હુમલો કર્યો હતો. બિશ્નોઈ ગેંગે ઇન્દ્રપ્રીત સિંહને “દેશદ્રોહી” ગણાવ્યો હતો. ઇન્દ્રપ્રીતની હત્યા લગભગ 11 રાઉન્ડ ફાયરિંગ કરીને કરવામાં આવી હતી. અગાઉ, આ જ ગેંગે જૂન 2025માં પિંજોરમાં રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટાની ગોળી મારીને હત્યા કરી હતી. બિશ્નોઈ ગેંગે એક વીડિયો જાહેર કરીને આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
ત્રીજી હત્યા સપ્ટેમ્બર 2025 માં અમૃતસરમાં થઈ હતી. હુમલાખોરો મોટરસાઇકલ પર લાઇન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજન પર ગોળીબાર કર્યો હતો. હેરી બોક્સર ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
આ પણ વાંચો: ભયાનક ઘટના: પત્ની બુરખો નહોતી પહેરતી તો પતિએ પત્ની અને બે બાળકોની મારી આંગણામાં દાંટી દીધા












