સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ બનાવી પૈસા પડાવનાર ઝડપાયો

બોટાદ, તા. 15 ઓગસ્ટ, 2025: સાળંગપુરમાં આવેલું કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર વિશ્વ વિખ્યાત છે, તેની એક ઓફિશિયલ વેબસાઈટ પણ છે. આ વેબસાઈટ દ્વારા ભક્તો ઘરે બેઠા દર્શન અને આરતી જોઈ શકે છે. પણ એક સાયબર ગઠિયાએ આનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તેમણે મંદિરની જેવી જ દેખાતી એક નકલી વેબસાઈટ બનાવી હતી અને લોકો પાસેથી રૂપિયા લીધા હતા.
જ્યારે મંદિર ટ્રસ્ટને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત કાર્યવાહી કરીને ઉત્તર પ્રદેશથી એક આરોપી અમરજીત કુમારને પકડી પાડ્યો હતો. આરોપીએ પોલીસ સામે કબૂલ્યું કે તે આ નકલી વેબસાઈટ દ્વારા ધર્મશાળામાં રૂમ બુકિંગ અને અન્ય સુવિધાઓના નામે ભક્તો પાસેથી પૈસા પડાવતો હતો.

વળી, આ એક જ મંદિરની નહીં, પણ બીજી 46 જેટલી નકલી વેબસાઈટ પણ તેણે બનાવી હોવાનું સામે આવ્યું હતું. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ હવે ધાર્મિક સ્થળોના નામે પણ લોકોને ફસાવી રહ્યા હોવાનું આ ઘટના પરથી સાબિત થયું હતું. ભક્તોએ કોઈપણ મંદિર, આશ્રમ, ધર્મશાળાનું બુકિંગ કરતી વખતે ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ સેહવાગે સચિનને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતવાર












