IPLસ્પોર્ટ્સ

IPL 2026: ચેન્નાઈને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય

IPL 2026 CSK vs SRH: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની એક અત્યંત રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ચેન્નાઈ સુપર કિંગ્સને (CSK) તેના જ હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર 5 વિકેટે પરાજય આપ્યો છે. આ શાનદાર જીત સાથે સનરાઇઝર્સે ગુજરાત ટાઇટન્સ બાદ ચાલુ સીઝનના પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ, ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર પણ ટીમ લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે, આ હાર છતાં પણ CSKની પ્લેઓફની આશાઓ હજુ પણ થોડા અંશે જીવંત છે.

પેટ કમિન્સે ચેન્નાઈને મોટો સ્કોર કરતા અટકાવ્યું

તાજેતરની મેચોમાં જોવા મળેલી હાઈ-સ્કોરિંગ પીચોથી વિપરીત, આ મેચમાં ચેપોકની પીચ તેની જૂની શૈલીમાં જોવા મળી હતી. સ્પિનરો અને ધીમા બોલરોનું વર્ચસ્વ રહેતા બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બન્યા હતા. ચેન્નાઈની ઇનિંગ્સમાં સંજુ સેમસને 13 બોલમાં 27 રન ફટકારી ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ કેપ્ટન રુતુરાજ ગાયકવાડ (21 બોલમાં 15 રન) સસ્તામાં આઉટ થયો હતો.

ડેવાલ્ડ બ્રેવિસે મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર વાપસી કરી

ત્યારબાદ મધ્ય ઓવરોમાં કાર્તિક શર્માએ 32 રનની આક્રમક ઇનિંગ રમીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી. આ સાથે જ આખી સીઝનમાં આઉટ ઓફ ફોર્મ રહેલા ડેવાલ્ડ બ્રેવિસે મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર વાપસી કરી 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે ચેન્નાઈની ટીમ 180 રનના પડકારજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ઘાતક બોલિંગ કરતા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇશાન કિશન અને હેનરિક ક્લાસેનનો મેચ વિનિંગ કમાલ

181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ પણ આ મુશ્કેલ પીચ પર સંઘર્ષ કરતી જોવા મળી હતી. સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ માત્ર 6 રન બનાવી બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પાવરપ્લેમાં ઇશાન કિશન અને અભિષેક શર્મા (26 રન) બાઉન્ડ્રી મેળવવા માટે ઝઝૂમતા રહ્યા હતા, જેના કારણે ટીમનો પ્રથમ છગ્ગો છઠ્ઠી ઓવરમાં આવ્યો હતો. આઠમી ઓવરમાં અભિષેક આઉટ થતાં હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે માત્ર 56 રન હતો.

ઇશાન કિશનની શાનદાર ફિફ્ટી

આ નાજુક તબક્કે હેનરિક ક્લાસેને ક્રીઝ પર આવી શરૂઆતના સંઘર્ષ બાદ ચેન્નાઈના બોલરો પર વળતો પ્રહાર શરૂ કર્યો હતો. કિશન અને ક્લાસેન વચ્ચે 75 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. ક્લાસેન 26 બોલમાં 47 રન બનાવી આઉટ થતાં મેચ રોમાંચક વળાંક પર આવી ગઈ હતી, પરંતુ ઇશાન કિશને એક છેડો સાચવી રાખ્યો હતો. ઇશાને શાનદાર ફિફ્ટી ફટકારતા 47 બોલમાં 70 રનની મનનીય ઇનિંગ રમીને ટીમને 5 વિકેટથી વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2026 માં કોણ બનશે ઓરેન્જ અને પર્પલ કેપના કિંગ? લીગ રાઉન્ડના અંતિમ તબક્કામાં રેસ બની ભારે રોમાંચક

Back to top button