લાગણી દુભાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો… ગુજરાતીઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માંગી

National News: કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ ચૂંટણી પ્રચારની વચ્ચે 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં. આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ-આપ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે.
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી
તેમણે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે કેરલમમાં તાજેતરમાં આપેલા મારા એક ચૂંટણી પ્રવચનની કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ ઉદ્દેશ્ય નહોતો.
Some remarks of mine in a recent election speech in Kerala are being deliberately misinterpreted. Even so, I express my sincere regret. It was never my intention to hurt the sentiments of the people of Gujarat for whom I have always had and will continue to have the highest of…
— Mallikarjun Kharge (@kharge) April 8, 2026
મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન શું હતું?
ચૂંટણી સભામાં ખડગેએ કહ્યું હતું કે કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન તમે બંને ગુજરાતની કે અન્ય રાજ્યની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરલમના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. કેરલમના લોકો માત્ર કેરલમમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ વિદેશમાં કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
શું રાહુલ આ નિવેદન સાથે સહમત છે?
ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પૂછ્યું કે શું રાહુલ ગાંધી ખડગેના નિવેદન સાથે સહમત છે. જો રાહુલ ગાંધીમાં જરાપણ સમજ હોય, તો તેમણે આ ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ, તેની નિંદા કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ.
રવિશંકર પ્રસાદે કહ્યું કે આજે તેઓ જે પદ પર છે તે પદ જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ પણ સંભાળ્યું છે. આટલા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? ખડગેની ટિપ્પણીઓ માત્ર અપમાનજનક જ નહીં, પણ નિર્લજ્જ અને અત્યંત નિંદનીય પણ છે.
આ પણ વાંચોઃ Ceasefire News: ‘આશા છે કે આ……’, અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતની પહેલી પ્રતિક્રિયા












