અમદાવાદગુજરાત

કોંગ્રેસ MLA ગેનીબેને કહ્યું,સરકારે બુટલેગરો માટે વ્યવસ્થા કરી, આખા રાજ્યમાં છૂટ આપોઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદ, 23 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કર્યા બાદ મુદ્દો વધારે આગ પકડી રહ્યો છે. હવે સુરતમાં તૈયાર થયેલા ડાયમંડ બુર્સમાં પણ વિદેશથી વેપારીઓ આવતા હોવાથી દારૂ પીવાની છુટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષના નેતાઓ દ્વારા સરકારના આ નિર્ણયને લઈને આકરી ટીકાઓ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા સરકારના નિર્ણયની રમૂજ વહેતી કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી ખાતે દારુ પીવાની છૂટ આપી તે ખરેખર નિંદનીય
કોંગ્રેસના વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હમ દેખેંગે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે દારુડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારુ પીવાની છૂટ આપી તે ખરેખર નિંદનીય છે. અમે તેને વખોડીયે છીએ, હવે કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે ત્યારે ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું તેની જગ્યાએ ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે.સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે.

મહાત્મા મંદિરમાં પણ દારૂની છૂટ મળવી જોઇએઃ શંકરસિંહ વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ફક્ત રુપિયાવાળા માટે નહીં પણ બધા માટે છૂટ હોવી જોઇએ. દેશી મહુડાના દારૂ માટે સરકારે છૂટ આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હવે ગિફ્ટ સિટીમાં છૂટ આપી જ દીધી છે તો આખા રાજ્યમાં છૂટ આપવી જોઇએ. દારુની સરકારને કરોડો રુપિયાની આવક થવાની છે. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટમાં પણ દારુની મુક્તિ મળશે તથા મહાત્મા મંદિરમાં પણ દારુની છૂટ મળવી જોઇએ. હું પોતે દારૂ પીતો નથી, કોઈ દારૂ પીવે એ મને ગમતું નથી. મેં ટેસ્ટ કરેલો છે એટલે કહું છું કે આ બધું નકામું છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઇને કહીશ કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જોઈએ. ગાંધીજી માત્ર ગુજરાતના નહીં પણ આખા દેશના હતા. એટલે દિલ્હી મુંબઈમાં દારૂ મળે અને ગુજરાતમાં નહિ તે ન હોવું જોઈએ.દારુની છૂટ આપવાથી ઉદ્યોગો વધશે પણ દારુ ન હતો છતાંય ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા જ હતા.

આ પણ વાંચોઃશું હવે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છુટ મળશે? કૃષિમંત્રી રાઘવજીએ કહ્યું સરકાર વિચારણા કરશે

Back to top button