અમદાવાદગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડની વીડિયો વોલ પરથી અમદાવાદની રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

Text To Speech

ગાંધીનગર, 07 જુલાઈ 2024, આજે સમગ્ર ગુજરાત ભગવાન જગન્નાથના રંગે રંગાયું છે. અમદાવાદમાં 147મી રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતુ. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની રથયાત્રા શાંતિ અને સલામતિ સાથે યોજાય તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હોવાનું જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી. તે ઉપરાંત આજે અષાઢી બીજ હોવાથી કચ્છીઓનું નવું વર્ષ હોય મુખ્યંમત્રીએ કચ્છી લોકોને પણ શુભકામનાઓ પાઠવી હતી.

વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. વીડિયો વોલ પરથી રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથ ના લોકેશન,પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમના અધિકારીઓ જોડાયા હતા.

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા
રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.

આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી, ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ

Back to top button