ટ્રેન્ડિંગનેશનલ

ચિત્રકૂટમાં અનોખો ન્યાય: 74 દિવસ પછી ભેંસે પોતે જ શોધ્યો પોતાનો માલિક, પોલીસ પણ જોતી રહી ગઈ!

નવી દિલ્હી: 19 જાન્યુઆરી, 2026: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ કે જમીન વિવાદના કિસ્સાઓ આવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક એવો અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસ અને ગ્રામજનો બંનેને ચોંકાવી દીધા છે. અહીં વિવાદ કોઈ માણસનો નહીં પણ એક ભેંસનો હતો, જેનો ઉકેલ ખુદ ભેંસે જ પોતાની સમજદારીથી લાવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના ચિત્રકૂટ જિલ્લાના માનિકપુર પોલીસ સ્ટેશન હેઠળના શિવનગર ગામની છે. અહીં આરતી પાંડેના ઘરે ‘બિટ્ટુ’ નામની ભેંસ છેલ્લા ત્રણ વર્ષથી ઉછરી રહી હતી. ગત ૧ નવેમ્બરના રોજ ભેંસ ચરવા ગઈ હતી પરંતુ સાંજ સુધી પરત ફરી નહીં. પરિવારે ઘણી શોધખોળ કરી પણ કોઈ પત્તો મળ્યો નહીં, અંતે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

12 કિમી દૂર મળી ભેંસ અને શરૂ થયો વિવાદ

ગૂમ થયાના એક મહિના બાદ આરતી પાંડેને જાણ થઈ કે તેમની ભેંસ 12 કિમી દૂર કેકરા માર્ગ ગામમાં શિવલાલ ઉર્ફે શિવકોલ નામના વ્યક્તિના ઘરે બાંધેલી છે. જ્યારે આરતી પાંડે ત્યાં પહોંચી ત્યારે શિવલાલે ભેંસ પોતાની હોવાનો દાવો કર્યો. માલિકી હકને લઈને વિવાદ વધતા મામલો ફરી પોલીસ સ્ટેશને પહોંચ્યો.

પંચાયત અને પોલીસની હાજરીમાં ‘અનોખી કસોટી‘

જ્યારે કોઈ સમજૂતી ન થઈ, ત્યારે આરતી પાંડેના પતિ અનિલ કુમારે એક અનોખો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે, “ભેંસને જ નક્કી કરવા દો કે તેનો માલિક કોણ છે.” પોલીસ અને બીજા પક્ષે પણ આ વાત સ્વીકારી લીધી. પોલીસે ગામ લોકોની હાજરીમાં ભેંસને તેના ઘરથી આશરે 600 મીટર દૂર રસ્તા પર ખુલ્લી છોડી દીધી. જેવી ‘બિટ્ટુ’ને મુક્ત કરવામાં આવી, તે કોઈ પણ દબાણ વગર સીધી દોડીને આરતી પાંડેના ઘરે પહોંચી ગઈ અને વાડામાં જઈને ઊભી રહી ગઈ.

‘ન્યાય‘ જોઈને સૌ હસી પડ્યા

74 દિવસ પછી પણ પોતાની ગલી અને માલિકને ઓળખી લેતી ભેંસને જોઈને પોલીસકર્મીઓ અને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનિલ પાંડેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “અમે સતત તેની શોધમાં હતા અને આજે બિટ્ટુએ પોતે જ સત્ય સાબિત કરી દીધું.”

 

Back to top button