ટ્રેન્ડિંગનેશનલ

પટનામાં NEET વિદ્યાર્થિનીના મોત બાદ ફફડાટ: શંભુ ગર્લ્સ હોસ્ટેલ ખાલી થઈ, વાલીઓએ કહ્યું- ‘હવે દીકરીઓને બહાર નહીં મોકલીએ’

બિહાર: 19 જાન્યુઆરી, 2026:  બિહારની રાજધાની પટનામાં NEETની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિનીના રહસ્યમય મોત બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને પગલે ‘શંભુ ગર્લ્સ હોસ્ટેલ’માં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં વાલીઓ હોસ્ટેલ પહોંચ્યા હતા અને પોતાની દીકરીઓનો સામાન બાંધી તેમને પરત ઘરે લઈ ગયા હતા. આ સાથે જ આખી હોસ્ટેલ લગભગ ખાલી થઈ ગઈ છે.

વાલીઓનો ભરોસો તૂટ્યો

હોસ્ટેલ પહોંચેલા વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાએ સિસ્ટમ અને સુરક્ષા પરથી તેમનો ભરોસો તોડી નાખ્યો છે. વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હવે તેઓ પોતાની દીકરીઓને ભણવા માટે પટના જેવા મોટા શહેરમાં હોસ્ટેલમાં રાખવાનું જોખમ નહીં ઉઠાવે. હવેથી તેમની દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે રહીને જ કરશે.

હોસ્ટેલની વ્યવસ્થા પર ગંભીર આરોપ

જ્યારે વાલીઓને હોસ્ટેલની સુવિધાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા. વાલીઓના મતે હોસ્ટેલની સ્થિતિ અત્યંત ખરાબ હતી અને ત્યાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા કે સુવિધા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નહોતી.

‘બેટી બચાવો, બેટી પઢાવો‘ નારા પર સવાલ

ઘટનાથી વ્યથિત વાલીઓએ સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના નારા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. એક વાલીએ જણાવ્યું કે, “સરકાર દીકરીઓને ભણાવવાની વાત કરે છે, પણ જ્યારે દીકરીઓ સુરક્ષિત જ નથી તો અમે તેમને બહાર કેવી રીતે મોકલીએ? ગમે તે થાય પણ હવે અમે દીકરીઓને પટના મોકલવા માંગતા નથી.” આ ઘટનાએ પટનામાં ચાલતી ખાનગી હોસ્ટેલોની સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

Back to top button