ગુજરાત

અમદાવાદમાં 10 વર્ષીય બાળકની હત્યાના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો: આરોપીને આજીવન કેદ અને ₹20 હજારનો દંડ

Narol Murder Case: અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે વર્ષ 2018 માં નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 10 વર્ષીય બાળક કનૈયાની નિર્મમ હત્યાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સિટી સેશન્સ કોર્ટના જજ હેમાંગ આર. રાવલે 27 વર્ષીય આરોપી સુધીરકુમાર જાટવને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપી પર ₹20 thousand નો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદા સાથે 8 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ પીડિત પરિવારને આખરે ન્યાય મળ્યો છે.

જૂની અદાવતમાં ગળું દબાવીને કરાઈ હતી હત્યા

કેસની વિગત મુજબ, 8 ડિસેમ્બર 2018 ના રોજ 10 વર્ષીય કનૈયો શાળાએથી છૂટ્યા બાદ પોતાના સંબંધીના ઘરેથી આઈ-કાર્ડ લઈને ઘર તરફ જવા નીકળ્યો હતો, પરંતુ તે ઘરે પહોંચ્યો નહોતો. શોધખોળ બાદ કોઈ પત્તો ન મળતાં બાળકની માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને સાક્ષીઓના આધારે ખુલાસો થયો હતો કે આરોપી સુધીરકુમાર જાટવે બાળકને સેવ-મમરાના પેકેટની લાલચ આપી હતી અને વટવા વિસ્તારની સીમમાં આવેલા એરંડાના ખેતરમાં લઈ ગયો હતો. જૂની અદાવતનો બદલો લેવાના આશયથી આરોપીએ પોતાના કમરના પટ્ટા વડે કનૈયાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ

હત્યા કર્યા બાદ આરોપીએ પુરાવા નાશ કરવાના હેતુથી બાળકના ધડ, કપડાં, બૂટ અને સ્કૂલ બેગ ગાયબ કરી દીધા હતા. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને માનવ ખોપડી, જડબું, લાલ ટી-શર્ટ અને આરોપીનો પટ્ટો મળી આવ્યા હતા. તબીબી તપાસમાં મળી આવેલા અવશેષો 7 થી 12 વર્ષની વયના બાળકના હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ FSL ના DNA રિપોર્ટમાં અસ્થિના અવશેષો બાળકની માતાના DNA સાથે મેચ થતાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું કે મૃતક બાળક કનૈયો જ હતો.

25 સાક્ષીઓ અને 44 સબળ દસ્તાવેજી પુરાવાઓથી ગુનો સાબિત થયો

સિટી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ બી.એસ. પટેલે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 25 સાક્ષીઓની જુબાની તેમજ 44 જેટલા દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કર્યા હતા. CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને DNA રિપોર્ટ જેવા મજબૂત પુરાવા ધ્યાને લઈને કોર્ટે આરોપી સુધીરકુમાર જાટવને કલમ 302 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો અને આજીવન કારાવાસની કડક સજા ફટકારી હતી.

આ પણ વાંચો: સુરતના ડુમસમાં હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટી પર પોલીસનો દરોડો: 8 યુવતીઓ અને 14 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Back to top button