રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર BRTS બસનો આતંક; રેલિંગ તોડી બે કારને અડફેટે લીધી, ચમત્કારિક બચાવ

રાજકોટ 20 ફેબ્રુઆરી 2026: રાજકોટ શહેરના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આજે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BRTS બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ લોખંડની સુરક્ષા રેલિંગ તોડીને સામાન્ય ટ્રાફિક લેનમાં ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસે માર્ગ પરથી પસાર થઈ રહેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે, આટલી ભીષણ ટક્કર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.
ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ
બનેલી ઘટનાની વિગત મુજબ, BRTS બસ પોતાના ટ્રેક પર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી. અચાનક ડ્રાઈવરની બેદરકારી કે ટેકનિકલ ખામીને કારણે બસ બેકાબૂ બની હતી અને ટ્રેકની રેલિંગ તોડી બાજુના રોડ પર જતી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસની તેજ ગતિ અને ટક્કરની તીવ્રતા સ્પષ્ટ જોઈ શકાય છે. ટક્કરને કારણે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
સ્થાનિકોનો રોષ અને તંત્ર સામે સવાલો
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. રાજકોટમાં સિટી બસ અને BRTS બસના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવતી જોખમી ડ્રાઈવિંગ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, “આ બસો રસ્તા પર ‘યમદૂત’ બનીને દોડે છે. ડ્રાઈવરો મુસાફરો અને અન્ય વાહનચાલકોની સુરક્ષાની પરવા કર્યા વગર બસો હંકારે છે.” અગાઉ પણ અનેકવાર આ બસોના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાયા છે.
આ પણ વાંચો: USA સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા, જાણો યુએસ રાષ્ટ્રપતિ પાસે હવે કયો વિકલ્પ












