ટ્રેન્ડિંગનેશનલમીડિયા

લગ્નના માત્ર 6 દિવસમાં નવવધૂનું કરુણ મોત, અકસ્માતે છીનવી જિંદગી

Bride Tragically Dies : મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં નવવિવાહિત યુવતીનું મોત થતાં બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લગ્નના માત્ર છ દિવસ બાદ પિયર જતી વખતે થયેલા અકસ્માતમાં 21 વર્ષીય વૈશાલી ભાઉસાહેબ પાટીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

7 જુલાઈએ ધામધૂમથી થયા હતા લગ્ન

વૈશાલી પાટીલના લગ્ન 7 જુલાઈના રોજ જળગાંવના દેવરામ નગર વિસ્તારમાં રહેતા પોલીસ કર્મચારી વિજય કાશીનાથ પાટીલ સાથે ધામધૂમથી યોજાયા હતા. લગ્ન બાદ દંપતી દેવદર્શન કરીને થોડા દિવસ પહેલાં જ ઘરે પરત ફર્યું હતું.

પિયર જતી વખતે થયો અકસ્માત

સોમવારે વૈશાલીને પિયર લઈ જવા માટે તેમના કાકા જળગાંવ આવ્યા હતા. બપોરના ભોજન બાદ બંને બાઈક પર કોલપિમ્પરી ગામ તરફ નીકળ્યા હતા. સાંજે લગભગ 4 વાગ્યે યુનિવર્સિટી સામેના માર્ગ પરથી પસાર થતાં સમયે પાછળથી આવેલી એક ઝડપી ફોર-વ્હીલરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત

અકસ્માતમાં વૈશાલીના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના કાકા પ્રવીણ પાટીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરિવારમાં શોકનો માહોલ

ઘટનાની જાણ થતાં જ સાસરી અને પિયર પક્ષના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. લગ્નના થોડા જ દિવસોમાં બનેલી આ દુર્ઘટનાએ બંને પરિવારોને આઘાતમાં મૂકી દીધા છે. ખુશીઓનું વાતાવરણ પળવારમાં શોકમાં ફેરવાઈ ગયું.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર ફોર-વ્હીલર અને તેના ચાલકની શોધખોળ ચાલુ છે.

Back to top button