અમદાવાદમાં લગ્નમાં બિરયાનીના બદલે પુલાવ પીરસાતા વર-કન્યા પક્ષ વચ્ચે બબાલ, 2ની કરાઈ ધરપકડ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સિંધુ હોલ ખાતે લગ્નપ્રસંગમાં સામાન્ય બાબતમાં મોટી બબાલ થઈ હતી. જેમાં જમણવાર દરમ્યાન બિરયાનીના બદલે પુલાવ પિરસવામાં આવતા વર અને કન્યાપક્ષ સામ-સામે આવી ગયા હતા. આ દરમ્યાન છરી, લોખંડના ઝારા, તાવીથા જેવા સાધનોથી એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં બંન્ને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કન્યા પક્ષનો આરોપ
દિલ્હીની રહેવાસી 23 વર્ષીય કન્યા કશિશ કછવાયાએ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર કશિશના લગ્ન વસ્ત્રાલમાં રહેતા સાગર વાણી સાથે 12મી મેના રોજ નિર્ધારિત કરાયા હતા. 11મી મેની રાત્રે સિંધુ હોલ ખાતે જમણવારમાં પુલાવ બરાબર ન બનવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે તે સમયે શાંત પડી ગઈ હતી. પરંતુ, મોડી રાત્રે આશરે 1 કલાકે આ અદાવત રાખી સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રો ત્યાં આવ્યા હતા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન અમૃતના મિત્રએ કશિશના પિતાના ડાબા હાથે છરો માર્યો હતો. જ્યારે ચેતન નામના શખસે કશિશના કાકી સારિકાબેનને વચ્ચે પડતા હથેળીમાં છરીનો ઘા માર્યો હતો. સાગર, અમૃત અને અન્ય મિત્રોએ કશિશ, તેના દાદી, માતા અને ભાઈ સાથે પણ મારપીટ કરી હતી.
આ બબાલમાં કશિશનું સોનાનું મંગળસૂત્ર, વીંટી અને કાકીનો સોનાનો દોરો ખોવાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને સાગર, અમૃત, ચેતન તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.
વર પક્ષનો વળતો આરોપ
આ સાથે જ વર પક્ષે વળતો આરોપ લગાવ્યો છે. તેઓએ વરરાજાના મિત્ર આકાશસિંહ પરિહારે કન્યા પક્ષ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, રાત્રે જમણવાર વખતે કન્યાના ભાઈ રીતિકે “બિરયાનીને બદલે પુલાવ કેમ બનાવ્યો છે?” તેમ કહી ઝઘડો કર્યો હતો. તે સમયે પોલીસે આવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, મોડી રાત્રે દોઢ કલાકની આસપાસ રીતિકે ફરી ગાળો આપી હતી. જ્યારે વરપક્ષના લોકો તેને સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા રીતિકે આકાશસિંહના માથામાં લોખંડનો ઝારો ફટકાર્યો. અન્ય શખ્સોએ સૂરજના માથા અને મોઢા પર મોટો તાવીથા અને તીક્ષ્ણ હથિયાર માર્યા હતા. વચ્ચે છોડાવવા પડેલા મદનને પણ ખભાના ભાગે હથિયાર વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. આકાશસિંહે કન્યાના ભાઈ રીતિક, પિતા કમલેશ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે શરૂ કરી તપાસ
કુબેરનગર પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે. લગ્ન જેવો આનંદનો પ્રસંગ ભોજનની બાબતે લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ જતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. હાલમાં પોલીસે આ ઘટના સંદર્ભે બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : પીએમ મોદીની અપીલ બાદ ભાજપશાસિત 5 રાજ્યોનો મોટો આદેશ, ઈંધણ બચત માટે લાગૂ કર્યા કડક નિયમ












