વકીલોના રક્ષણ માટે બાર કાઉન્સિલના ચેરમેન મેદાનમાં, મુખ્યમંત્રી પાસે તાત્કાલિક મળવાનો સમય માંગ્યો

અમદાવાદ 9 જુલાઈ2025: રાજ્યમાં વકીલ સમાજ અને પોલીસ વચ્ચે વારંવાર થતા ઘર્ષણના બનાવોને લઈ હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ના ચેરમેન જે.જે. પટેલ મેદાને આવ્યા છે. વકીલોના અધિકાર અને સન્માનને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે મુખ્યમંત્રી સાથે તાત્કાલિક મુલાકાત માટે સમય માંગ્યો છે.
તાજેતરમાં ભરૂચ જિલ્લામાં કોર્ટ પરિસરમાં એક વકીલને પોલીસ દ્વારા પ્રવેશ ન અપાય તેવો વિવાદ સર્જાયો હતો. જેના કારણે વકીલ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાઓ એકાકી નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં પોલીસ અને વકીલ વચ્ચેની ઉગ્રતા દર્શાવે છે.
ચેરમેન જે.જે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વકીલ ન્યાયવ્યવસ્થાનો અભિન્ન હિસ્સો છે. તેમનું અપમાન કે અવરોધ સહન કરી શકાય નહિ. સરકાર વકીલ સમાજના સન્માન અને સુરક્ષા માટે ગંભીર પગલાં ભરે તેવી માંગ છે.”
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, BCGના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે તાત્કાલિક મુલાકાત કરીને સમગ્ર મામલે પોતાની વકીલપત્ર રજૂ કરવાની તૈયારી કરી છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક સમય આપવાની સરકારને અપીલ કરી છે.
અત્યારસુધીના ઘટસ્ફોટક બનાવો અને વકીલોના સુરક્ષાના મુદ્દે સરકાર કઈ રીતે પ્રતિસાદ આપે છે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ BCGની આ પ્રવૃત્તિએ વકીલ સમાજમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં પૂરમાં 5 લોકો તણાયા કેવી રીતે કરાયું રેસ્ક્યૂ જૂઓ વીડિયો












