બલૂચ નેતા મહરંગ બલોચને સજા, પાકિસ્તાનમાં વિરોધની આગ વધુ ભડકી

Mahrang Baloch: પાકિસ્તાનની જાણીતી બલોચ માનવ અધિકાર કાર્યકર મહરંગ બલોચને આતંકવાદ વિરોધી અદાલતે આજીવન કેદની સજા ફટકારતાં સમગ્ર બલૂચિસ્તાનમાં રાજકીય તણાવ અને વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. ‘બલૂચિસ્તાનની શેરણી’ તરીકે ઓળખાતી મહરંગ બલોચ વર્ષોથી બલોચ લોકોના હક્કો અને ગાયબ થયેલા નાગરિકોના મુદ્દાઓ ઉઠાવતી રહી છે. હવે તેમના વિરુદ્ધ આવેલા ચુકાદાએ પાકિસ્તાન સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘેરવાની સ્થિતિ ઉભી કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટાની આતંકવાદ વિરોધી અદાલતે મહરંગ બલોચ અને તેમના સાથી કાર્યકર સિબઘતુલ્લાહને એક સૈનિકના મોતના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપ છે કે 2024 દરમિયાન ગ્વાદરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભીડને ઉશ્કેરવાના કારણે એક અર્ધલશ્કરી જવાનનું મોત થયું હતું. જોકે મહરંગ બલોચે તમામ આરોપોને રાજકીય બદલો ગણાવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોણ છે મહરંગ બલોચ?
મહેરંગ બલોચ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની જાણીતી માનવ અધિકાર કાર્યકર અને ડોક્ટર છે. તેઓ બલોચ યકજેહતી કમિટી (BYC) નામના સંગઠનનું નેતૃત્વ કરે છે, જે બલોચ લોકોના અધિકારો, ગાયબ થયેલા લોકો અને સુરક્ષા દળો પર લગતા માનવ અધિકાર ઉલ્લંઘનના મુદ્દાઓ ઉઠાવે છે.
મહેરંગ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે બલોચ લોકો પર થતા અત્યાચાર વિરુદ્ધ લાંબી વિરોધ યાત્રા અને પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને ઓળખ મળી હતી અને BBC તેમજ TIME મેગેઝિને તેમને પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન આપ્યું હતું.
ધરપકડ બાદ વધ્યો હતો વિવાદ
માર્ચ 2025માં ક્વેટામાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ મહરંગ બલોચની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની સત્તાવાળાઓએ તેમના પર આતંકવાદ, દેશદ્રોહ અને હિંસા ભડકાવવાના આરોપો લગાવ્યા હતા. જોકે Amnesty International સહિત અનેક માનવ અધિકાર સંસ્થાઓએ આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.
મહેરંગે જેલમાંથી લખેલા એક લેખમાં દાવો કર્યો હતો કે બલૂચિસ્તાનમાં લોકો ગાયબ થવાના અને દમનના બનાવો સતત વધી રહ્યા છે અને શાંતિપૂર્ણ અવાજોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચુકાદા બાદ બલૂચિસ્તાનમાં ઉગ્ર વિરોધ
આજીવન કેદની સજા જાહેર થતાં જ બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. મહરંગના સમર્થકોએ આ ચુકાદાને “રાજકીય બદલો” ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ #ReleaseMahrangBaloch ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
પાકિસ્તાન સરકારનું કહેવું છે કે કેસમાં પૂરતા પુરાવા હતા અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ માનવ અધિકાર સંગઠનોનું માનવું છે કે બલોચ કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કેમ ચર્ચામાં રહે છે બલૂચિસ્તાન?
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પરંતુ સૌથી અશાંત પ્રાંત માનવામાં આવે છે. અહીં વર્ષોથી અલગતાવાદ, માનવ અધિકાર ઉલ્લંઘન અને સુરક્ષા દળો સામેના આક્ષેપોને લઈને તણાવ રહેતો આવ્યો છે. બલોચ સંગઠનો લાંબા સમયથી વધુ અધિકારો અને ન્યાયની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ/ ખેંચ આવતાં કાર બેકાબુ થઈ, 1નું મોત, 6 ઇજાગ્રસ્ત












