ગુજરાત

અમદાવાદ: એક્સિસ સિક્યુરિટીના નામે સાયબર ઠગાઈ, નરોડાના યુવકે રૂ. 50 લાખ ગુમાવ્યા

Axis Securities Investment Fraud: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય એક યુવક સાથે સાયબર ગઠિયાઓએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ. 50 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. લિફ્ટ બનાવવાની કંપની ચલાવતા આ યુવકને એક્સિસ સિક્યુરિટીના નામે ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ ઠગાઈ આચરવામાં આવી હતી. પીડિતે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ રીલ અને વોટ્સએપ ગ્રુપથી શરૂ થઈ ઠગાઈની જાળ

પીડિત યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક્સિસ સિક્યુરિટીમાં રોકાણ કરવા અંગેની એક રીલ જોઈ હતી, જેની લિંક પર ક્લિક કરતા જ તે એક ગ્રુપમાં એડ થઈ ગયો હતો. ગ્રુપમાં અન્ય લોકો રોકાણ કરીને મોટો નફો કમાતા હોવાના ફેક મેસેજ મૂકવામાં આવતા હતા. ત્યારબાદ યુવકને એક અજાણી યુવતીનો ફોન આવ્યો હતો, જેણે મોકલેલી લિંક દ્વારા યુવકે એક્સિસ સિક્યુરિટીના લોગો વાળી પોલિસી અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કર્યું હતું. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ એક્સિસ સિક્યુરિટીના સર્ટિફિકેટ પણ મોકલ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રૂ. 50 લાખના રોકાણ સામે દર્શાવ્યો રૂ. 1.22 કરોડનો નફો

શરૂઆતમાં યુવકે રૂ. 5 લાખનું રોકાણ કર્યું હતું અને વિશ્વાસ જીતવા માટે ઠગોએ એપ્લિકેશનમાંથી રૂ. 1000 ઉપાડવા દીધા હતા. સંપૂર્ણ વિશ્વાસ બેસી જતાં યુવકે 2.5 મહિનાના સમયગાળામાં કટકે-કટકે કુલ રૂ. 50 લાખનું રોકાણ કરી દીધું હતું. આ રોકાણ સામે એપ્લિકેશનમાં રૂ. 1.22 કરોડનો નફો બતાવવામાં આવી રહ્યો હતો.

ટેક્સ અને ચાર્જના નામે વધુ લાખો રૂપિયા પડાવ્યા

જ્યારે યુવકે પોતાની કમાણી અને મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ 10 ટકા ટેક્સ પેટે રૂ. 12 લાખ અને 6 ટકા સબ્સ્ક્રિપ્શન ચાર્જ પેટે બીજા રૂ. 7.20 લાખ પડાવી લીધા હતા. લાખો રૂપિયા ભરી દીધા છતાં પણ જ્યારે એક પણ રૂપિયો પરત ન મળ્યો અને વધુ નાણાંની માંગણી ચાલુ રહી, ત્યારે યુવકને પોતાની સાથે મોટી ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: બોટાદ LCBની મોટી સફળતા: ₹1.60 લાખના મુદ્દામાલ સાથે ચોરીનો આરોપી ઝડપાયો

Back to top button