IND vs AUS: વરસાદના કારણે પાંચમી T20 રદ્દ, ભારતે 2-1થી જીતી સીરિઝ

બ્રિસ્બેન, તા. 8 નવેમ્બર, 2025: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ ટી20 વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થતાં જ ભારતે સીરિઝ 2-1થી જીતી હતી. આ શ્રેણીનો શરૂઆતનો મુકાબલો પણ વરસાદના કારણે રદ્દ થયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજો મુકાબલો જીતીને 1-0ની લીડ મેળવી હતી, પરંતુ ભારતે ત્રીજો અને ચોથો મુકાબલો જીતીને 2-1ની અજેય બઢત મેળવી લીધી હતી. આજની મેચ ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી, તેમની નજર શ્રેણીમાં બરાબરી હાંસલ કરવા પર હતી.
શનિવારે રમાયેલી છેલ્લી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 4.5 ઓવરની રમત થઈ શકી, જેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલે 52 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદ અવરોધરૂપ બન્યો અને મુકાબલો રદ્દ થઈ ગયો હતો.
અભિષેકને બે જીવનદાન મળ્યા
અભિષેકને શરૂઆતની ચાર ઓવરોમાં જ બે જીવનદાન મળ્યા. પહેલી ઓવરના ચોથા બોલ પર અભિષેકે સુંદર ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદના બોલ પર તે ફરીથી મોટો શોટ રમવા ગયો હતો. જોકે, બોલ મિડ-ઑફ પર ઊભેલા મેક્સવેલ પાસે પહોંચ્યો, પરંતુ તેણ કેચ પડતો મૂક્યો હતો. આ રીતે અભિષેકને પહેલું જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ, ચોથી ઓવરમાં નાથન એલિસના બોલ પર અભિષેકે ફાઇન લેગ પર શોટ રમ્યો હતો, પરંતુ બોલ ડ્વારશુઈસના હાથમાંથી પણ છટકી ગયો. તે સમયે તે 11 રન પર હતો.
બંને ટીમો
ભારત: સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), રિન્કુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કપ્તાન), મેથ્યુ શોર્ટ, જોશ ઇન્ગ્લિસ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, બેન ડ્વારશુઈસ.
ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી 2-1થી જીતીને ભારતે વન-ડેની હારનો બદલો લઈ લીધો. યજમાનોએ ભારતને ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.












