પાકિસ્તાનમાં ખૈબર મંદિર તરીકે ઓળખાતું વધુ એક પ્રાચીન મંદિર તોડી પડાયું
- ખૈબર મંદિર તરીકે ઓળખાતું આ મંદિર 1947થી બંધ હતું
- હાલ આ સ્થળે સ્થાનિક તંત્ર દ્વારા શોપિંગ કોમ્પલેક્સ બનાવવામાં આવી રહ્યું છે
- 1992માં સ્થાનિકોએ હુમલો કરી મંદિર ખંડિત કર્યું હતું
ખૈબર, પાકિસ્તાન, 13 એપ્રિલ, 2024: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક એક ઐતિહાસિક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. પીટીઆઈ સમાચાર સંસ્થાને ટાંકીને વિવિધ મીડિયાએ આપેલા આ અહેવાલ અનુસાર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તે સ્થળે કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. 1947માં ભાગલા પછી મૂળ હિન્દુ રહેવાસીઓ ભારતમાં સ્થળાંતર કરી ગયા ત્યારથી આ મંદિર બંધ હતું.
‘ખૈબર મંદિર’ તરીકે ઓળખાતું આ મંદિર ખૈબર જિલ્લાના સરહદી નગર લેન્ડી કોટલ બજારમાં આવેલું હતું પરંતુ વર્ષોથી ખંડેર સ્થિતિમાં હતું. અહેવાલ અનુસાર આ સ્થળે લગભગ 10-15 દિવસ પહેલાં શોપિંગ કોમ્પલેક્સનું બાંધકામ શરૂ થયું હતું. વિવિધ વહીવટી વિભાગોના અધિકારીઓએ કાં તો તેઓ હિન્દુ મંદિરના અસ્તિત્વ વિશે જાણતા હોવાનો ઇનકાર કર્યો હતો અથવા તો દાવો કર્યો હતો કે બાંધકામ નિયમો અનુસાર થઈ રહ્યું છે.
લેન્ડી કોટલના રહેવાસી અને અગ્રણી આદિવાસી પત્રકાર ઇબ્રાહિમ શિનવારીએ મુખ્ય લેન્ડી કોટલ બજારમાં એક ઐતિહાસિક મંદિર હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે, “મંદિર લેન્ડી કોટલ બજારની મધ્યમાં આવેલું હતું, જે 1947માં સ્થાનિક હિંદુઓએ બંધ કરી દીધું હતું. 1992માં ભારતમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કેટલાક મૌલવીઓ અને કટ્ટરવાદીઓએ આ મંદિરની તોડફોડ કરી હતી. આ પત્રકારે કહ્યું કે, તેમને યાદ છે કે બાળપણમાં તેના પૂર્વજો પાસેથી મંદિર વિશે ઘણી વાર્તાઓ સાંભળી હતી. પત્રકારે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે લેન્ડી કોટલમાં ‘ખૈબર મંદિર’ નામનું મંદિર હતું.”
પાકિસ્તાન હિંદુ મંદિર પ્રબંધન સમિતિના સભ્ય હારુન સરબદિયાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિન-મુસ્લિમો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતી ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા અને પુનર્વસન સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત સરકારી વિભાગોની છે. “પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, પોલીસ, સંસ્કૃતિ વિભાગ અને સ્થાનિક સરકાર 2016ના પ્રાચીનકાળના કાયદા દ્વારા પૂજાના સ્થળો સહિત આવા સ્થળોનું રક્ષણ કરવા માટે બંધાયેલા છે” તેમ તેમણે જણાવ્યું હતું.
ડોન અખબારે લેન્ડી કોટલના મદદનીશ કમિશનર મુહમ્મદ ઇર્શાદને એમ કહેતા ટાંક્યા કે મંદિરના ધ્વંસ અંગે પોતે અજાણ છે અને કહ્યું કે ખૈબર આદિવાસી જિલ્લાના સત્તાવાર જમીન રેકોર્ડમાં મંદિરનો કોઈ ઉલ્લેખ નથી.
આ પણ વાંચોઃ હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓ પર અત્યાચારથી UN સખત નારાજ, કહ્યું-આ નહીં ચાલે