અમદાવાદએજ્યુકેશનગુજરાતદક્ષિણ ગુજરાતવિશેષ

ગુજરાતમાં ૧૯૦૧માં ૪૧૩ કોટવાળિયા આદિવાસી વસવાટ કરતા હતા, આજે શું સ્થિતિ છે?

  • કોટવાળિયા આદિવાસી સમુદાયમાં સ્ત્રીઓને સમાન સન્માન મળતું અને વિધવા પુનઃ વિવાહ પણ થતા
  • પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત કોટવાળિયા સમાજનો સર્વે કરી યોજનાકીય લાભો આપવાનો નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ

રાજપીપલા, મંગળવાર, 2 જાન્યુઆરી : પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે નર્મદા જિલ્લામાં વસતા કોટવાળિયા સમૂહનો આ જૂથમાં સમાવેશ થાય છે. એક સદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં માત્ર ૪૧૩ વ્યક્તિઓ આ જૂથના હતા. આજે નર્મદા જિલ્લામાં ૪૬૭૬ કોટવાળિયા સમૂહના વ્યક્તિ વસવાટ કરે છે.

અંગ્રેજોના શાસન દરમિયાન વર્ષ ૧૯૦૧માં રેજીનાલ્ડ એન્થોવને બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં વિસ્તૃત સર્વે કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તક એટલે ‘ધ ટ્રાઈબ્સ એન્ટ કાસ્ટિસ ઓફ બોમ્બે’ અને તેના ત્રીજા ભાગમાં કોટવાળિયા સમુદાયની જનસંખ્યા અને તેના રિવાજો વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે.

ઉક્ત પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે, વર્ષ ૧૯૦૧ સુધીમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના સુરત પરગણા અને તેની આસપાસના વિસ્તારોમાં કોટવાળિયા સમુદાય વસવાટ કરે છે. તે સમયે ૨૦૬ પુરૂષ અને ૨૦૭ મહિલાઓ મળી કુલ ૪૧૩ વ્યક્તિ નોંધાઈ હતી. જેઓ વાંસ કાપી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું કામ કરતા હોવાથી તેમને વાંસફોડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજો તેને વિટોલિયા તરીકે પણ ઓળખતા હતા.

આ સમુદાયના લોકોને કોટવાળિયા કેમ કહેવાયા છે તેની પણ રસપ્રદ વાત છે. આ સમુદાયના કોઈ એક આદિવાસીએ અંગ્રેજ અધિકારીને વાંસમાંથી બનાવેલો કોટ ભેટ સ્વરૂપે આપ્યો હતો. તે કોટ એટલો સુંદર હતો કે, અંગ્રેજે તેમને કોટવાળિયા અથવા તો કોટ-વાલા તરીકે ઓળખવાનું શરૂ કર્યું. આથી તેઓ કોટવાળિયા તરીકે ઓળખાય છે.

વિશેષ વાત તો એ છે કે, પ્રાચીન ભારતમાં વિધવા પુનઃલગ્ન પ્રથા અમલમાં નહોતી એવી ખોટી માન્યતા પ્રવર્તતી હતી. 19મી સદીમાં આ પ્રથા કાયદાકીય રીતે અમલમાં આવી એવું સ્થાપિત કરવાનો પ્રયાસ થયો. જોકે, કોટવાળિયા સમુદાયમાં આ પ્રથા તો ચાલી જ આવતી હતી, અને તેને આધારે સ્પષ્ટ થાય છે કે 19મી સદી પહેલાં પણ આપણા સમાજમાં વિધવા પુનઃલગ્ન પ્રથા અસ્તિત્વમાં હતી. કદાચ શક્ય છે કે કાયદાકીય સ્વરૂપ પછી અપાયું હોય. એ જ રીતે કોટવાળિયા સમુદાયમાં મહિલાઓનું પણ પારિવારિક પ્રસંગોમાં સમાન સન્માન જળવાતું હતું.

આલેખન : દિલીપ વસાવા

આ પણ વાંચોઃ રામલલાના દર્શન માટે કેટલી સીડી ચઢવી પડશે? નહીં હોય માતા સીતાની મૂર્તિ

Back to top button