ગુજરાત

ઓલપાડના મૂળદમાં પાલતુ શ્વાનનું મોત થતા ઉશ્કેરાયેલા માલિકે કર્યો તબીબ પર જીવલેણ હુમલો

સુરત 26 ફેબ્રુઆરી 2026: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે એક અત્યંત વિચિત્ર અને હિંસક ઘટના પ્રકાશમાં આવી છે. પોતાના પાલતુ શ્વાનનું સારવાર બાદ મોત નીપજતા, તેના માલિકે પિત્તો ગુમાવી સારવાર કરનાર ખાનગી ડૉક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે કિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મૂળદ ગામમાં એક શ્વાન માલિકે આશરે એક સપ્તાહ અગાઉ પોતાના પાલતુ શ્વાનની તબિયત બગડતા તેને ગામમાં જ ‘પેટ શોપ’ ચલાવતા એક ખાનગી ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. ડૉક્ટરે શ્વાનની સારવાર કરી હતી, પરંતુ કમનસીબે સારવારના એક અઠવાડિયા બાદ શ્વાનનું અચાનક મોત નીપજ્યું હતું. પોતાના વહાલા શ્વાનના મોતથી આઘાતમાં સરેલા માલિકે આ માટે ડૉક્ટરની સારવારને જવાબદાર ગણાવી હતી.

CCTVમાં કેદ થયો હુમલો

બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં, શ્વાન માલિક આવેશમાં આવી સીધો જ ડૉક્ટરની દુકાને પહોંચ્યો હતો. કંઈ પણ વિચાર્યા વગર તેણે દુકાનમાં ઘૂસી જઈ ડૉક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોતજોતામાં વિવાદ વકર્યો અને માલિકે ડૉક્ટર પર હુમલો કરી તેમને ઢોર માર માર્યો હતો. આ હુમલાના દ્રશ્યો CCTVમાં સ્પષ્ટ દેખાય છે, જેમાં માલિક ડૉક્ટર પર હાથ ઉપાડતો અને હિંસક વર્તન કરતો જોઈ શકાય છે.

પોલીસ કાર્યવાહી

આ હુમલા બાદ સ્થાનિક તબીબી આલમમાં ભારે રોષ અને ભય જોવા મળ્યો છે. ભોગ બનનાર ડૉક્ટરે તાત્કાલિક કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી આરોપી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો: હવે ગૂગલ મેપ પર મળશે નજીકના આધાર સેન્ટરની સચોટ માહિતી, UIDAI અને ગૂગલ વચ્ચે મહત્વની ભાગીદારી

Back to top button