સુરતમાં આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, ‘મારામાં ક્યાંય પટેલવાદ નથી, ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું?’

- આનંદીબેન પટેલે લોકોને જ્ઞાતિના વાડાઓમાંથી બહાર નીકળીને ‘ભારતવાસી’ અને ‘હિન્દુસ્તાની’ હોવાનો ગર્વ લેવા જણાવ્યું હતું
19 ફેબ્રુઆરી, સુરતઃ સુરતમાં ક્રાફ્ટ રૂટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજરી આપી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના વર્તમાન સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા પ્રહાર કર્યા હતાં. મહત્ત્વની વાત એ છે કે આ કાર્યક્રમ આનંદીબેનની દીકરી અનાર પટેલ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે.
‘ક્યાં સુધી લેઉવા અને કડવા પટેલના નામે વહેંચાયેલા રહીશું’
આનંદીબેને સમાજમાં જોવા મળતા આંતરિક વિભાજન પર સૂચક નિવેદન આપ્યું કે, ‘આપણે ક્યાં સુધી લેઉવા પટેલ અને કડવા પટેલના નામે વહેંચાયેલા રહીશું?’ તેમણે લોકોને જ્ઞાતિના વાડાઓમાંથી બહાર નીકળીને ‘ભારતવાસી’ અને ‘હિન્દુસ્તાની’ હોવાનો ગર્વ લેવા જણાવ્યું હતું. સાચું નેતૃત્વ એ છે જે આખા સમાજને સાથે લઈને ચાલે, નહીં કે માત્ર એક ચોક્કસ પેટા જ્ઞાતિને તેવું તેમણે જણાવ્યું હતું.
અનાર પટેલને જાહેર મંચ પરથી શીખામણ
અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આનંદીબેને એક માતા અને એક વડીલ તરીકે તેમને શિખામણ આપી. તેમણે મંચ પરથી જ અનાર પટેલને કહ્યું કે, સંસ્થાના હોદ્દાનો ઉપયોગ માત્ર જ્ઞાતિ પૂરતો મર્યાદિત ન રાખતા. જો કોઈ જરૂરિયાતમંદ અન્ય સમાજનો વ્યક્તિ પણ આવે, તો તેની મદદ કરવી એ જ સાચો ધર્મ છે.
આ પણ વાંચોઃ જેલમાંથી બહાર નીકળીને રાજપાલ યાદવે ભત્રીજીના લગ્નમાં પત્ની સાથે માર્યા ઠુમકા, વીડિયો વાયરલ












