એર ઇન્ડિયાએ 31 મે સુધી ઇઝરાયેલની ઉડાનો સસ્પેન્ડ કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટ પર ફ્લાઇટ્સ રોકાઈ
Air India suspends flights to Israel: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે એર ઇન્ડિયાએ 31 મે 2026 સુધી ઇઝરાયેલ માટેની તમામ ઉડાનો સસ્પેન્ડ કરી દીધી છે. એરલાઇનના અધિકારીએ જણાવ્યું કે નવી દિલ્હીથી તેલ અવીવના રૂટ પર ચાલતી ઉડાનો 31 મે સુધી રોકી દેવામાં આવી છે.
હાલમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે તેલ અવીવના રૂટ પર ઉડાનો રોકી દીધી છે. માત્ર ઇઝરાયેલી એરલાઇન્સ જેમ કે El Al, IsraAir, Arkia અને Air Haifa કડક પ્રતિબંધો સાથે ઉડાન ભરી રહી છે.
ઉડાનો રોકાતાં ઇઝરાયેલમાં રહેતા 40000થી વધુ ભારતીયોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ ભારતીયો કામ કે અન્ય કારણોસર ભારત પરત જવા માંગે છે. જે લોકો ઇઝરાયેલ છોડવા માંગે છે તેમને જમીન માર્ગે જોર્ડન અથવા મિસર થઈને જવું પડે છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ આવા લોકોને મદદ કરી રહ્યું છે.
દૂતાવાસે 24*7 ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરી છે અને મોટા પાયે રજિસ્ટ્રેશન અભિયાન પણ ચલાવ્યું છે. રાજદૂત જે.પી. સિંહ અને ટીમે ઇઝરાયેલમાં રહેતા ભારતીય વર્કર્સ અને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરીને તેમની ચિંતાઓ સાંભળી છે અને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે.
નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની સીધી ઉડાન સેવા 1 જાન્યુઆરીએ ફરી શરૂ કરવામાં આવી હતી. તેમાં અઠવાડિયામાં ચાર ઉડાનો હતી અને આધુનિક બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનોનો ઉપયોગ થતો હતો. પરંતુ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યા બાદ ઉડાનો અસરગ્રસ્ત થઈ ગઈ છે.
આ પણ વાંચો : મણિપુરમાં 2 ઉગ્રવાદીઓ ઝડપાયા, દિલ્હી પોલીસના ઇનપુટથી ચલાવાયું સર્ચ ઓપરેશન












