ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગોગો પેપર પર રાજ્ય સરકારનો પ્રતિબંધઃ પાનના ગલ્લાથી લઈને દુકાનદારો નહીં કરી શકે વેચાણ

અમદાવાદ: 16 ડિસેમ્બર, 2025: ગુજરાતમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા માટે ચાલી રહેલી ઝુંબેશમાં અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે. યુવા પેઢીમાં નશા માટે અત્યંત લોકપ્રિય બનેલા ‘ગોગો રોલિંગ પેપર’નું ઓનલાઇન વેચાણ હવે અમદાવાદમાં સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.

ઓનલાઇન એપ્સ પરથી પ્રોડક્ટ હટાવાઈ

છેલ્લા કેટલાક સમયથી બ્લિંક-ઈટ (Blinkit) અને અન્ય ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર આ રોલિંગ પેપર સરળતાથી ઉપલબ્ધ હતા. આ પેપરનો ઉપયોગ નશાકારક પદાર્થો ભરીને સિગારેટ બનાવવા માટે કરવામાં આવતો હોવાથી તે નશાને સીધું પ્રોત્સાહન આપી રહ્યા હતા. સુરત SOG દ્વારા ઓનલાઇન ગોડાઉન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસે પણ લાલ આંખ કરી હતી.

પોલીસની સૂચના અને કાયદેસરની કાર્યવાહીના ડરથી બ્લિંક-ઈટ જેવી અગ્રણી ક્વિક કોમર્સ એપ્સે પોતાના પ્લેટફોર્મ પરથી આ પ્રોડક્ટનું વેચાણ તાત્કાલિક બંધ કરી દીધું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, અનેક યુવાનો મોડી રાત્રે આ એપ્સ દ્વારા ગોગો પેપર મંગાવતા હતા. અમદાવાદ પોલીસે હવે આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે. પોલીસ તેવા યુવાનોનો ડેટા એકત્ર કરી રહી છે જેઓ નિયમિતપણે આ પેપર ઓનલાઇન ઓર્ડર કરતા હતા. આ ડેટાના આધારે પોલીસ યુવાનોનું યોગ્ય કાઉન્સિલિંગ કરશે જેથી તેમને નશાની આદતમાંથી બહાર લાવી શકાય.

વેપારીઓમાં ફફડાટ:

આ કડક નિર્ણય બાદ શહેરના પાન પાર્લરો અને ઓનલાઇન માર્કેટમાં પ્રતિબંધિત પેપર્સનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નશા માટે વપરાતા આડકતરા સાધનો પર પ્રતિબંધ મૂકવાથી યુવા પેઢીને નશાની ગર્તામાં જતી અટકાવવામાં મોટી મદદ મળશે.

 

 

Back to top button