ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દરેક ચોમાસામાં હેલ્મેટ સર્કલ કેમ બની જાય છે ‘બેટ’? બે દાયકાથી યથાવત્ પાણી ભરાવાની સમસ્યા

Ahmedabad Rain: શહેરમાં ધોધમાર વરસાદ પડે અને હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ ન થાય એવું હવે ભાગ્યે જ જોવા મળે છે. વર્ષો જૂની આ સમસ્યા ફરી એકવાર ભારે વરસાદ સાથે સામે આવી છે. આ વખતે પણ થોડા કલાકના વરસાદ બાદ હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો હતો. અનેક બાઈક અને કાર પાણીમાં બંધ પડી ગયા હતા, જ્યારે લાંબા ટ્રાફિક જામથી હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અમદાવાદના સૌથી વ્યસ્ત ટ્રાફિક જંક્શનોમાંના એક ગણાતા હેલ્મેટ સર્કલમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની ડ્રેનેજ વ્યવસ્થા હજુ પણ અસરકારક બની શકી નથી. પરિણામે થોડા સમયના ભારે વરસાદ બાદ પણ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે અને પાણી કલાકો સુધી ઉતરતું નથી.

AMCની અપીલ: હેલ્મેટ સર્કલ ટાળો

પરિસ્થિતિ ગંભીર બનતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે હેલ્મેટ સર્કલ તરફ જવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક પોલીસને પણ વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

બે દાયકાથી સમસ્યા, છતાં કાયમી ઉકેલ નહીં

સ્થાનિક રહેવાસીઓ અને રોજિંદા મુસાફરોના જણાવ્યા મુજબ છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી હેલ્મેટ સર્કલમાં દર ચોમાસે આ જ સ્થિતિ સર્જાય છે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી, ડ્રેનેજ સફાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ ભારે વરસાદમાં સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી જાય છે.

સ્થાનિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના વિકાસકામો છતાં જો શહેરના સૌથી મહત્વના જંક્શન પર પાણી ભરાતું રહે તો તે આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કાયમી ઉકેલની ઉઠી માંગ

દર વર્ષે વરસાદ બાદ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોનું માનવું છે કે હવે અસ્થાયી નહીં, પરંતુ કાયમી ઉકેલ જરૂરી છે. વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, પૂરતી પમ્પિંગ વ્યવસ્થા અને વરસાદી પાણીના પ્રવાહનું વૈજ્ઞાનિક આયોજન કરવામાં આવે તો જ આ સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે.

દરેક ચોમાસામાં હેલ્મેટ સર્કલ ‘જળબંબાકાર ઝોન’ બની જાય છે ત્યારે ફરી એકવાર સવાલ ઊભો થાય છે કે અમદાવાદના આ મહત્વના ટ્રાફિક જંક્શનને પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ ક્યારે મળશે?

આ પણ વાંચોઃ મણિપુર અંડરપાસમાં સ્થાનિકો બન્યા રિયલ હીરો: આખી રાત પાણીના નિકાલ માટે જહેમત
Back to top button