હાથીજણ સર્કલ પાસે ટ્રક-બાઇક અકસ્માતમાં આધેડનું મોત, પત્ની અને પૌત્ર ઇજાગ્રસ્ત

અમદાવાદના હાથીજણ સર્કલ નજીક રિંગરોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક આધેડનું મોત થયું છે, જ્યારે તેમની પત્ની અને 10 વર્ષીય પૌત્રને ઇજા પહોંચી છે. પરિવાર સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘોડાસર વિસ્તારમાં રહેતા મેલાભાઈ ચૌહાણ ખેતીકામ સાથે સંકળાયેલા હતા. 9 ઓગસ્ટના રોજ તેઓ પત્ની રંજનબેન અને 10 વર્ષીય પૌત્ર સાથે બાઇક પર હાથીજણ સર્કલ નજીક રહેતા સંબંધીના ઘરે ગયા હતા. મુલાકાત પૂર્ણ કર્યા બાદ ત્રણેય બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
પરિવાર હાથીજણ સર્કલ પાસેના રિંગરોડ પર મામાદેવ ધાબા સામે આવેલા કટ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી અથવા બાજુ તરફથી ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા.
અકસ્મતમાં મેલાભાઈ ટ્રકની નીચે આવી ગયા હતા અને ટ્રકનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઇજાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ તેમની પત્ની રંજનબેન અને પૌત્રને ઇજા થતાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકત્ર થવા લાગી હતી. આ દરમિયાન ટ્રક ચાલક વાહન ત્યાં જ મૂકીને નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે મોકલી અકસ્માતગ્રસ્ત વાહનો અંગે તપાસ હાથ ધરી હતી.
મૃતકની પત્ની રંજનબેને આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલકની ઓળખ અને શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અકસ્માત કઈ રીતે સર્જાયો, ટ્રકની ઝડપ કેટલી હતી અને અન્ય કોઈ બેદરકારી જવાબદાર હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કાલુપુરથી રિક્ષામાં બેઠેલી વૃદ્ધા લૂંટાઈ, રૂ.2.18 લાખ લઈ ગેંગ ફરાર












