અમદાવાદ: દારૂ,જુગાર, ચરસ, ગાંજાના દૂષણમાં આખા પરિવાર ગુમાવ્યા; વાસણા પોલીસ સ્ટેશને લોકોનું ટોળું ધસી આવ્યું

18 જુલાઈ 2025 અમદાવાદ: શહેરના વાસણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જીવરાજ મહેતા ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર, ચરસ,ગાંજા જેવી ગેરકાયદેસર વસ્તુઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેનો સ્થાનિક લોકો ભોગ બની રહ્યા છે. કોઈકના છોકરા આ પ્રકારની વસ્તુઓ મળતા નશો કરતા જીવ ગુમાવી બેઠા, તો કોઈકના ઘરમાં નાના બાળકો પણ આવા માહોલમાં ઉછરી રહ્યા છે. દીકરીઓની માનસિક સ્થિતિ ઉપર ખરાબ અસરો પડી રહે છે અને સાથે ભણતર પણ બગડી રહ્યું છે અને સ્વાસ્થ્યના પણ ચેડા થઈ રહ્યા છે.
એક પરિવારના ત્રણે દીકરા નશાના રવાડે ચડી ગયા
મળતી માહિતી મુજબ વાસણા પોલીસ સ્ટેશનમાં જીવરાજ મહેતા ચામુંડા નગરમાં રહેતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં વિસ્તારમાં ચાલતી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ કરાવવા માટે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. જેમાં એક મહિલાએ જણાવ્યું હતું મારા દાદી દાદા ઉંમરલાયક છે હવે ક્યાં કામ કરી શકશે કારણ કે, મારા ત્રણ છોકરા દારૂના રવાડે ચડી ગયા છે અને રઝડી ગયા છે. છોકરાઓ નશાના રવાડે ચડી જતા મારા પિતા સિક્યુરિટીમાં નોકરી કરીને છોકરાઓને મોટા કર્યા હવે એ પણ ભાંગી પડ્યા છે. ત્રણે છોકરાએ ત્રણ દિવસથી અનાજ નથી ખાધું, આટ આટલી રજૂઆત કરવા છતાં પણ કેમ દારૂ, જુગાર, ગાંજાનું વેચાણ બંધ નથી થતું. આ પહેલા આવી પ્રવૃત્તિઓને લઈને હત્યાઓ પણ થઈ ચૂકી છે. છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.
25 વર્ષના છોકરાઓના ફેફસા ખલાસ થઈ જાય છે
ગુજરાત ભીમસેના પ્રમુખ મનીષ સૌંદરવાએ HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર મોટાભાગના વિસ્તારોમાં જ્યાં દલિત સમાજની ગરીબ વસ્તી રહેશે ત્યાં આ દારૂ, જુગાર, ચરસ, ગાંજા આની રેકડીઓ અને હાટડીઓ ચાલે છે. પોલીસ અને સરકાર મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે. 40 વર્ષની એક બેનનું ગળું દબાવીને તેના જ પતિએ નશાની હાલતમાં મારી નાખી. નશાના લીધે 25થી 30 વર્ષની ઉંમરના છોકરાઓના ફેફસા ખલાસ થઈ જાય છે અને પોતાનો જીવ આપી દે છે. આવી દર્દના પરિસ્થિતિ વાસણાના જીવરાજ મહેતા વિસ્તારમાં નહીં પરંતુ આખા અમદાવાદની ગરીબ દલિત સમાજની વસ્તીઓમાં થઈ રહ્યું છે.
સમગ્ર અમદાવાદના સ્લમ વિસ્તારોમાં સર્વે કરવામાં આવે
તેમણે વધુમાં સરકારને સવાલ કરતાં કહ્યું હતું કે કેમ સેટેલાઈટ, સી જી રોડ કે નવરંગપુરા વિસ્તારોમાં દારૂની હાટડીઓ ચાલતી નથી? કેમ સ્લમ વિસ્તારોમાં જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે? શોષિત, પીડિત અને વંચિત સમાજ એનો અવાજ બુલંદ ન કરી શકે અને નશાના કારોબાર નીચે દબાઈને રે, અને એમાંને એમાં આખું જીવન પૂરું કરે તેવું એક ષડયંત્ર છે. આવા તમામ ગરીબ વિસ્તારોમાં બહેનો 20થી 25 વર્ષની ઉંમરે વિધવા થઈ જાય છે. આ તમામ પ્રવૃત્તિ અટકાવવા માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવે, તેમણે મુખ્યમંત્રીને માંગ કરતા કહ્યું હતું કે સમગ્ર અમદાવાદ શહેરમાં તાત્કાલિક આ તમામ પ્રવૃત્તિઓનું સજ્ઞાન લઈને બંધ કરાવી લોકોને ન્યાય આપે.












