અમદાવાદ: મુકબધિર યુવતીનું ત્રણ મહિના બાદ પરિવાર સાથે ભાવુક પુનઃમિલન

અમદાવાદ: ગત સપ્ટેમ્બરની એક સાંજે કાલુપુર રેલ્વે સ્ટેશનની ભીડમાં એક 24 વર્ષીય યુવતી અસહાય અવસ્થામાં મળી આવી હતી. ગર્ભવતી હોવા છતાં તે માનસિક રીતે અસ્વસ્થ દેખાતી હતી અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તે મૂક-બધિર હતી. ન બોલી શકતી હતી, ન સાંભળી શકતી હતી. તેની પાસે કોઈ ઓળખપત્ર કે સરનામાની વિગતો નહોતી. પોલીસ માટે આ કેસ એક અજાણ્યા વ્યક્તિના રૂપમાં નોંધાયો.
શરૂઆતમાં તેને સખી વન સ્ટોપ સેન્ટર અને પછી વિકાસગૃહમાં રાખવામાં આવી, પરંતુ તેની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવેમ્બરમાં તેને ગુજરાત સરકારના સંચાલન હેઠળના ‘નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ’માં ખસેડવામાં આવી. અહીંથી સંસ્થાની ટીમે આ કેસને ઉકેલવા માટે અથાગ પ્રયાસો શરૂ કર્યા.
યુવતી માટે આ સ્થળ નવું આશ્રયસ્થાન બન્યું, પરંતુ તેનો ભૂતકાળ અને પરિવાર વિશે કોઈ સંકેત નહોતો. ભાષાના અભાવે કાઉન્સેલિંગ પણ અટકી જતું હતું. ટીમે દિવસ-રાત મહેનત કરી અને કલેક્ટર કચેરીની મદદથી તેનું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી. આ જ પગલું કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
UIDAIની સ્ટેટ ઓફિસમાં બાયોમેટ્રિક તપાસ દરમિયાન અંગૂઠાની છાપ મેળવતાં જ કમ્પ્યુટર પર એક નામ અને મધ્યપ્રદેશનું સરનામું દેખાયું. આ માત્ર એક સરનામું નહોતું, પરંતુ એક વિખૂટા પડેલા પરિવારની આશાનું કિરણ હતું.
સંસ્થાએ તરત જ તે સરનામા સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો. ફોન ઉપાડનાર યુવતીની માતા અને ભાઈને જ્યારે વાત સમજાઈ તો તેમની આંખોમાં આશ્ચર્ય અને ખુશીના આંસુ આવી ગયા. વીડિયો કોલ દ્વારા યુવતીએ પોતાના પરિવારને જોયા અને તેમની સાથે વાતચીત કરી.
આખરે 8 ડિસેમ્બર, 2025ના રોજ યુવતીના ભાઈ અને માતા નારી સંરક્ષણ ગૃહ પહોંચ્યા. ત્રણ મહિનાના લાંબા વિરહ પછી મૌન દીકરી પોતાના પરિવારને રૂબરૂ મળી, ત્યારે આખું વાતાવરણ ભાવનાઓથી ભીંજાઈ ગયું.
1993થી અસહાય મહિલાઓની સેવા કરતું નારી સંરક્ષણ ગૃહે યુવતીને માત્ર સુરક્ષિત આશ્રય જ નહીં, પણ ટેક્નોલોજી અને માનવીય સંવેદનશીલતાના મિશ્રણથી એક અશક્ય લાગતું પુનઃમિલન શક્ય બનાવ્યું. આજે તે યુવતી પોતાના ઘરે સુરક્ષિત પરત ફરી છે. આ ઘટના સંસ્થાની અતૂટ પ્રતિબદ્ધતા અને સમર્પણનું જીવંત પ્રમાણ છે.
આ પણ વાંચો: રાજકોટમાં ભયાનક દુર્ઘટના: પુલ પરથી પડેલી કારમાં લાગી આગ, બાળક સહિત ત્રણના હાડપિંજર મળ્યા












