અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તોડબાજ પત્રકારની ખંડણીના ગુનામાં ધરપકડ કરી

અમદાવાદ 30 જુલાઈ 2025: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીના ગંભીર ગુનામાં તોડબાજ પત્રકાર યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજની ધરપકડ કરી છે. આ ઘટના 15 જુલાઈ, 2025ના રોજ શરૂ થઈ, જ્યારે ફરિયાદીના બાળક અને પાડોશીના બાળક વચ્ચે રમતા રમતા ઝઘડો થયો હતો. આરોપી યાસીને આ ઝઘડાના ફોટા અને વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યા હતા, જેને લઈને ફરિયાદી સાથે તેની બોલાચાલી થઈ હતી.
બીજા દિવસે, આરોપીએ અદાવત રાખીને ફરિયાદીના ઘરે જઈ, પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યો અને ઝઘડાના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. આરોપીએ આ વીડિયો અને ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની ખંડણીની માંગણી કરી. ફરિયાદીએ ના પાડતાં, આરોપીએ ફરિયાદીની માતાને ગાળો આપી અને ત્યાંથી નાસી ગયો.
આ ઘટનાની ફરિયાદના આધારે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે, 30 જુલાઈ, 2025ના રોજ આરોપી યાસીનની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પોલીસે આરોપી સામે ખંડણી, ધમકી અને ગાળાગાળીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ શહેરમાં પત્રકારની આડમાં ખંડણી ખાવાના કૃત્યો સામે ચેતવણીરૂપ બની છે. ક્રાઈમ બ્રાન્ચે નાગરિકોને આવા તોડબાજ ઈસમો સામે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટનાની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.












