અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ; 72 કલાકનું અલ્ટીમેટમ; જાણો કુલપતિએ શું કહ્યું!

14 ઓગસ્ટ 2025 અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી ગુજરાત યુનિવર્સિટીનાં બેજવાબદાર વહીવટને કુલપતિના શાસન ઉપર સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ અને NSUI કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને સત્તાધીશો દ્વારા સરકારી જમીનનો લૂંટી લેવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં આજે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તેમજ મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં હલ્લા બોલ કરી હતી. પોતે કુલપતિ આ મોટા પાયે થયેલા ભટ્ટાચારમાં સંડોવાયેલા છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. આવો જાણીએ આ અંગે કુલપતિએ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી છે.
ફૂડ કોર્ટ, રાઈફલ રેન્જ, ટેનિસ કોર્ટ માટે જમીનો વેચાઈ
ગુજરાત યુનિવર્સિટી પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના ગુજરાત યુનિવર્સિટીના તેમજ એબીવીપીના સિન્ડિકેટ સભ્યો તેમજ જોડાયેલા સત્તાધીશોને પોતાની પર્સનલ પ્રોપર્ટીમાં વધારો કરવા ફૂડકોર્ટ, રાઈફલ રેન્જ, ટેનિસ કોર્ટ જેવા કાર્યો માટે સરકારની કરોડોની જમીનો ફાળવી દેવાઇ છે. કરોડો રૂપિયા જે યુનિવર્સિટીના બાળકોના ભવિષ્ય માટે ઉપયોગ થવા જોઈએ તે યુનિવર્સિટીનાં શાસન સાથે જોડાયેલા મળતીયાઓને આપી દેવામાં આવે છે. કુલપતિ પોતે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે અને એનો ખર્ચો યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવે છે જોકે સરકારનો કાયદો છે કે ચૂંટાયેલા નેતાઓ હોય કે અધિકારીઓ તેમને ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરવી, 240 કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગુજરાત યુનિવર્સિટીની એફડી મૂકવામાં આવી છે જેને પર્સનલ ઉપયોગ માટે મળતીયાઓને સત્તાધીશોની આપી દેવામાં આવી છે.
કોંગ્રેસનો 72 કલાકનો અલ્ટીમેટમ; નહિતર બંધનું એલાન
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વધુ આરોપ લગાવતા કહ્યું હતું કે આજે અમારો વિરોધ પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા દ્વારા લાંચ માંગણીનો, સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને રાઈફલ ટ્રેક ફાળવણીનો, ખાનગી કંપનીને યુનિવર્સિટી દ્વારા ગ્રાઉન્ડ ફાળવણીનો છે. જો કુલપતિ દ્વારા 72 કલાકની અંદર આ અંગે અમને સ્પષ્ટ રીતે કોઈપણ કાર્યવાહી અંગે જાણ કરવામાં નહીં આવે, અથવા આ મામલે જો કાર્યવાહી નહીં થાય તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો બંધ જાહેર કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોની રહેશે.
કોંગ્રેસના દરેક મુદ્દાની સતામંડળ દ્વારા ચર્ચા કરાશે
કોંગ્રેસના આક્ષેપોને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ પત્રકારોને જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસની રજુઆતને પગલે મોટા ભાગના મુદ્દે એક્શન લેવાઈ ગયા છે. યુનિવર્સિટીના સતા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવે છે આજના દરેક મુદ્દાનું પણ સતા મંડળ દ્વારા ચર્ચા કરવામાં આવશે. તેમજ કોંગ્રેસ દ્વારા કન્વેન્શન બિલ્ડીંગને લઈને આક્ષેપ કરાયું છે જેનું હજુ કામ ચાલી રહ્યું છે. સાથે યુનિવર્સિટી સાથે જોડાયેલા સત્તાધીશોને યુનિવર્સિટીની કોઈપણ જમીન વેચવામાં આવી નથી આક્ષેપ વિહોણા છે.
Google દ્વારા મેળવેલી માહિતી પાયા વિહોણી: કુલપતિ
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે મારી સૌને એક જ વિનંતી છે કે, ગૂગલ તેમજ AI જેવા પ્લેટફોર્મ અને અન્ય જગ્યા પરથી ખોટી માહિતીઓ મૂકવામાં આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો નહીં તેમજ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ચોક્કસ અને સ્પષ્ટ રીતે તમામ માહિતી મૂકવામાં આવે છે, જે સરકાર માન્ય છે.












