
ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો પર અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા કડક પગલા બાદ, તેના પડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે, કેનેડાએ 2025માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢી છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર, કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. માહિતી અનુસાર, એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં પ્રવેશ પર પણ અસર પડી છે. કેનેડા સરકારના ડેટા અનુસાર, 2024 માં, કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.
ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ બદલાયો
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા અને અમેરિકા હંમેશાથી પસંદગીના દેશો રહ્યાં છે, જ્યાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે, ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. જર્મની હાલ ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચના દેશ તરીકે ઉભરી આવ્યું છે. જેથી, કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી ગયુ છે.
વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજ વધ્યો
કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા એટલા માટે બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડા આવી કાર્યવાહી કરવા મજબુર બન્યું છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમણે 20,000 કેનેડિયન ડોલરના પેપર્સ બતાવવા પડશે. આ ઉપરાંત, વિગતવાર અભ્યાસ યોજના અને ભાષાકીય પરીક્ષાના પરિણામો સબમિટ કરવા પડશે.
જર્મની ટોચની પસંદગી તરીકે ઉભરી આવ્યું
ભારતીય વિદ્યાર્થીઓની ટોચની પસંદગી તરીકે જર્મનીએ કેનેડાને પાછળ છોડી દીધું છે અને 31% લોકો તેને પસંદ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાની પસંદગી 2022 માં 18% થી ઘટીને 2024 માં 9% થઈ ગઈ છે. બીજી તરફ, ભારતીય વિદ્યાર્થીઓ તરફથી US યુનિવર્સિટીઓમાં અરજીઓમાં પણ વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, 2024-25 માં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 32.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
પશ્ચિમ એશિયાઈ શહેરો પણ પસંદગીના બની રહ્યા
અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ માટે વધુને વધુ સક્ષમ સ્થળ બની રહ્યું છે, જેમાં વૈશ્વિક કેમ્પસમાંથી ડિગ્રી પ્રોગ્રામ ઉપલબ્ધ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દુબઈમાં જ્યોર્જટાઉન, જોન્સ હોપકિન્સ, RIT, કાર્નેગી મેલોન અને વેઇલ કોર્નેલ સહિત યુએસ યુનિવર્સિટીઓના સેટેલાઇટ કેમ્પસ અને કતારના એજ્યુકેશન સિટી તેમની સ્થાનિક સંસ્થાઓ જેવી જ ડિગ્રીઓ પ્રદાન કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે, 2022 માં યુએસ (19 ટકા) અને કેનેડા (18 ટકા) ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચના સ્થળો હતા.












