
અમદાવાદ 25 જૂન 2025: રાજ્ય સહિત સમગ્ર શહેરમાં વરસેલા પ્રથમ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરીની હકીકત બહાર લાવી દીધી છે. અલગ-અલગ વિસ્તારોમાં ભુવો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે મનપાની ખોટી યોજના અને બેદરકારી દર્શાવે છે.
શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં ભુવો પડ્યા બાદ હવે લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટના પાર્કિંગ એરિયામાં પણ ભૂવો પડ્યો છે. હેરાનગરની વાત એ છે કે, જ્યાં ભુવો પડ્યો ત્યાં મનપાએ અગાઉથી પાર્કિંગ માટે બ્લોક લગાવ્યા હતા. છતાં એ વિસ્તારમાં ધરાસાય થયું છે. સદનસીબે ભુવો પડતી વખતે ત્યાં કોઈ વાહન પાર્ક ન હતું, જેથી મોટું નુકસાન ટળ્યું છે.
AMCએ ચાલુ કર્યું બેરિકેટિંગ અને સમારકામ
ભુવો પડ્યા બાદ તાત્કાલિક જવાબદારી લઈ AMCએ સ્થળ પર બેરિકેટિંગ કર્યુ અને સમારકામની કામગીરી શરૂ કરી છે. જોકે, શહેરમાં છેલ્લા એક વર્ષમાં આવા ઘટનાઓની શ્રેણી ચિંતાજનક બની છે. મકરબામાં 2, પાલડીમાં 2, ન્યૂ વસ્ત્રાલમાં 1 અને હવે લો ગાર્ડન – કુલ 6થી વધુ ભુવા સામે આવી ચૂક્યા છે.
ગઈકાલે ન્યૂ વસ્ત્રાલના શ્રીજી હાઈટ્સ નજીક 15 ફૂટ પહોળો અને ઊંડો ભુવો પડતાં સ્થાનિક રહીશો ભયભીત થયા હતા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજ લાઈનનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને હજુ સુધી પૂર્ણ થયું નથી.
સ્થાનિક લોકોમાં રોષ
વિસ્તારના રહીશો અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. AMCની બેદરકારી અને કામગીરીની ધીમી ગતિને કારણે ભવિષ્યમાં વધુ નુકસાન કે જાનહાનિ ન થાય એ માટે લોકો સમતોલ અને સ્થાયી પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મહેસાણા માર્કેટ યાર્ડમાં આ જણસીની બમ્પર આવક, ખેડૂતોને મળ્યા આટલા રૂપિયા












