રાજકોટ, 28 જૂન : રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ નિહિત બેબીકેર હોસ્પિટલમાં આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં ડોકટર દ્વારા આયુષ્યમાન યોજના હેઠળ કરવામાં આવેલ છેતરપિંડીમાં હોસ્પિટલને 6.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાલ આયુષ્યમાન યોજનાનો સરકાર સાથેના કરારની યાદીમાંથી હોસ્પિટલનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
શું છે સમગ્ર કૌભાંડ ? અને કેમ આવ્યું સામે ?
મળતી માહિતી મુજબ, શહેરમાં લક્ષ્મીનગર મેઈન રોડ ઉપટ ત્રિશુલ ચોક પાસે આવેલ નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મારૂ દ્વારા નિહિત બેબીકેર હોસ્પિટલમાં થતા લેબોરેટરીના રિપોર્ટમાં વધુ ચાર્જ ઉમેરી સરકારને પોર્ટલમાં ચડાવવામાં આવતું હતું. આ અંગેની માહિતી ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમને મળી હતી જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ આ હોસ્પિટલના લગભગ 550 જેટલા કેસ સ્ટડી કર્યા હતા જેમાં અંદાજે 116 લેબના રિપોર્ટમાં નિયત કરેલ ચાર્જથી વધુ ચાર્જ ઉમેરી સરકારના આયુષ્યમાન પોર્ટલ પર રિપોર્ટ જમા કરવામાં આવતા હતા.
રૂ.65 લાખની છેતરપિંડી, 10 ગણો દંડ
દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને આ પ્રકરણમાં અજુગતું લાગતા રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.સિંઘને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન આ હોસ્પિટલ દ્વારા કુલ રૂ.65 લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યુ હતું. જે અંગેનો રિપોર્ટ તેમણે રાજ્ય સરકારમાં સોંપ્યો હતો. જેથી સરકાર દ્વારા આ રકમની 10 ગણી પેનલ્ટી રકમ 6.54 કરોડનો દંડ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે.