અમદાવાદમાં તિજોરીનું લોક ખોલી 6.5 લાખની ચોરી, ઘરઘાટી પર શંકા

અમદાવાદ 19 ઓક્ટોબર 2025: અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તિજોરીનું લોક ખોલીને ડ્રોવરમાંથી રૂપિયા 6.5 લાખની મોટી રકમની ચોરી થઈ છે. આ ચોરીનો આરોપ ઘરમાં કામ કરતા નોકરો પર લગાવવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાં રહેતા મકાન માલિક જ્યારે ઘરની બહાર ગયા હતા, તે દરમિયાન આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ચોર ઈસમ ઘરના લોકર અને ડ્રોઅરની ચાવીની જાણકારી ધરાવતો હોય તેમ, તિજોરીનું લોક ખોલીને અંદરથી રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
મકાન માલિક પરત આવતા ઘરમાં તપાસ કરી ત્યારે તિજોરીમાંથી રૂપિયા 6.5 લાખ ગુમ થયેલા જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકાના આધારે, તેમણે ઘરમાં કામ કરતા ઘરઘાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઘરઘાટી ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાથી પોલીસ માટે મુખ્ય શંકાસ્પદ તે જ છે. આ બનાવ અંગે સાબરમતી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને ચોરીની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ફરાર ઘરઘાટીને ઝડપી પાડવા અને ચોરાયેલી રકમ પરત મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે.
આ પણ વાંચો: સાવધાન! રાજસ્થાનની આ ગેંગ ટ્રક લઈ ગુજરાતમાં ત્રાટકે છે અને કરે છે વાહનોની ચોરી જૂઓ કેટલા ઝડપાયા?












