લાઈફસ્ટાઈલ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપશે ઘરે ઉગાડેલી 4 જડીબુટ્ટીઓ: જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો

Cooling Effect Herbs: આજના ભેળસેળના યુગમાં શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે ઘરે જ કુંડામાં ઉગાડવામાં આવતા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ (હર્બ્સ) એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે. મે, જૂન અને જુલાઈ મહિનાની કાળઝાળ ગરમીમાં શરીરને આંતરિક ઠંડક આપવા અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કેટલીક ખાસ જડીબુટ્ટીઓ ઘરમાં જ સરળતાથી ઉગાડી શકાય છે. આ ઔષધિઓ ઉનાળામાં થતા ઉબકા, એસિડિટી અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

ફુદીનો: પાચનતંત્રનો મિત્ર

ફુદીનો ઉનાળા માટે આશીર્વાદ સમાન છે. હેલ્થલાઇનના અહેવાલ મુજબ, ફુદીનો આઇબીએસ (IBS – પાચનની ગંભીર સમસ્યા) ધરાવતા દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. તે એસિડિટી, ગેસ, હાર્ટબર્ન અને ઉબકા જેવી તકલીફોમાં તુરંત રાહત આપે છે. ફુદીનામાં વિટામિન A, આયર્ન, ફાઇબર, ફોલેટ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

લેમનગ્રાસ: તણાવમુક્તિ અને ત્વચાની સંભાળ

લીંબુ જેવી તાજગીસભર સુગંધ ધરાવતું લેમનગ્રાસ શરીરને ઠંડક આપે છે. ઉનાળાના દિવસોમાં લેમનગ્રાસની ચા પીવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ ઔષધિમાં ક્લોરોજેનિક એસિડ, આઇસોઓરિએન્ટિન અને સ્વર્ટિયાઝાપોનિન જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો હોય છે, જે ગરમીમાં ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લીલા ધાણા: ગેસ અને અપચોથી રાહત

ધાણાની તાસીર ઠંડી હોય છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. તે પાચનક્રિયા સુધારીને પેટ ફૂલવાની સમસ્યા અટકાવે છે. રસોડામાં હાજર સૂકા ધાણાના બીજમાંથી તેને સરળતાથી ઉગાડી શકાય છે. ખોરાકના ગાર્નિશિંગ ઉપરાંત તેનો રસ કે ઉકાળો પીવો પણ ગુણકારી છે.

કઢી પત્તા: બ્લડ સુગર પર નિયંત્રણ

દાળ-શાકના વઘારમાં વપરાતા કઢી પત્તા શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. સવારે ખાલી પેટે તેના પાન ચાવવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે અને શરીરની બળતરા ઓછી થાય છે. સંશોધનો અનુસાર, તેમાં લિનાલૂલ, આલ્ફા-ટેર્પીનેન, માયર્સીન અને આલ્ફા-પીનેન જેવા એન્ટીઑકિસડન્ટોનો ભંડાર છે. આ તમામ જડીબુટ્ટીઓ ઝડપથી વિકાસ પામતી હોવાથી તેને ઘરે ઉગાડવી સરળ છે, બસ ઉનાળાની આકરી ધૂપથી તેને થોડી બચાવવી જરૂરી છે.

આ પણ વાંચો: ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટા સમાચાર: 1 સપ્ટેમ્બરથી બદલાશે સેબીના નોમિનેશન નિયમો

Back to top button