ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારત અને ચીન સામે અલગ અલગ ટ્રમ્પ નીતિનું આ છે રહસ્ય

વોશિંગ્ટન, 13 ઓગસ્ટ, 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પરની 90 ટેરિફ મર્યાદા પૂરી થાય તે પહેલા જ ટેરિફ લાગુ પાડવાની મર્યાદામાં વધુ 90 દિવસની મહેતલ આપી છે, જ્યારે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ લેવા બાબતે 50 ટકાની ટેરિફ લાદી છે, ત્યારે અનેક મનમાં પ્રશ્ન થાય છે કે ટ્રમ્પ અમેરિકાના બે મહત્ત્વના વેપાર ભાગીદાર ચીન અને ભારત સામે આવી અલગ અલગ નીતિ કેમ અખત્યાર કરી રહ્યા છે? ચાલો જાણીએ ટેરિફ મામલે ટ્રમ્પ ચીન તરફ આટલા કૂણા કેમ પડ્યા છે?

અમેરિકા ચીન સામે શા માટે કૂણું પડ્યું ?

અગાઉ પ્રતિબંધિત કરેલી કેટલીક અમેરિકન કંપનીઓ પરના પ્રતિબંધોમાં રાહત આપવાની જાહેરાત ચીને કરી છે. આ પગલાંથી બંને દેશને લાંબા સમયથી ચાલતા વેપાર મતભેદો પર ચર્ચા કરવાનો વધુ સમય મળશે, એવી ગણતરી બંને પક્ષે વ્યક્ત કરાઈ છે. અમેરિકા બંને દેશ વચ્ચેના વેપાર અસંતુલન અને અયોગ્ય વેપાર નીતિઓ સંબંધિત પ્રશ્નો ઉકેલવા માંગે છે. ચીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અમેરિકા દ્વારા લગાવાયેલા ‘અયોગ્ય’ પ્રતિબંધોને દૂર કરવાની વિનંતી કરી છે.

નોંધનીય છે કે ચીન પરની ટેરિફ મર્યાદાને વધુ લંબાવવામાં આવી ન હોત તો ચીની માલ પર હાલ જે 30 % ટેરિફ છે એ વધીને 145% સુધી જવાની હતી અને તેના જવાબમાં ચીન પણ અમેરિકન માલ પરની ટેરિફ 10%થી વધારીને 125% સુધી લઈ જવાનું વિચારી રહ્યું હતું.

વિશ્લેષકોના અનુસાર જો અમેરિકા અને ચીન પરસ્પર 145% અને 125% જેટલા ઊંચા ટેરિફ લાગુ કરી દે તો બંને વચ્ચેનો વેપાર લગભગ ઠપ થઈ જાય અને એની ગંભીર અસરો વૈશ્વિક બજાર પર પડે. તેથી મે મહિનામાં જિનીવામાં થયેલી વાટાઘાટોમાં બંને પક્ષ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સ્થિરતા લાવવા માટે આ ભારે ટેરિફ પાછા ખેંચવા માટે સંમત થયા છે.

અમેરિકા-ચીને પરસ્પર કેવી શરતો મંજૂર કરી?

એ કરારમાં અમેરિકાએ પેટ્રોકેમિકલ્સ, અદ્યતન કોમ્પ્યુટર ચિપ્સ અને ઇથેન પરના નિકાસ પ્રતિબંધમાં રાહત માંગી હતી અને ચીને અમેરિકન કંપનીઓને ઈલેક્ટ્રિકલ વાહનો માટે જરૂરી એવા દુર્લભ ખનીજો અને ચુંબકો પૂરા પાડવાની તૈયારી બતાવી હતી. બંને વચ્ચે ફેન્ટાનાઇલ ડ્રગની તસ્કરી જેવા અમુક મુદ્દે પણ સમાધાનકારી વલણ અપનાવાયું છે.

આ કારણથી ટ્રમ્પ ચીન પર મહેરબાન

આધુનિક ઉપકરણો અને વાહનોના નિર્માણમાં અત્યંત જરૂરી એવા દુર્લભ ખનીજો અને મેગ્નેટનું વિશ્વમાં સૌથી મોટું નિકાસકાર ચીન છે. એપ્રિલ મહિનામાં ચીને અમેરિકાને એ ખનીજો અને ચુંબકો નિકાસ કરવાના બંધ કરી દીધા હતા, જેના કારણે અમેરિકાના ઓટોમોટિવ સહિતના ઘણા ઉદ્યોગના કામ ખોરવાઈ ગયા હતા. અમેરિકન કંપનીઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર સમસ્યાનો ઉકેલ શોધવા માટેનું દબાણ કર્યું હતું, જેથી દુર્લભ ખનીજો અને મેગ્નેટ વિના અમેરિકાના ઉદ્યોગો અને ટેક ક્ષેત્રો ઠપ ન થઈ જાય. ટ્રમ્પને આ મુદ્દો સમજાતાં તેમણે ધરાર ચીન સામે નરમ પડવું પડ્યું છે.

રશિયાને પાયમાલ કરવા ઉઠાવ્યું પગલું

યુક્રેન સાથે ત્રણ વર્ષ કરતાં લાંબા સમયથી ચાલતાં યુદ્ધ છતાં પુતિન થાક્યા નથી. યુદ્ધવિરામની ટ્રમ્પની વિનંતીઓની પણ એમણે પરવા નથી કરી, જેને લીધે ટ્રમ્પ રશિયાના અર્થતંત્રને ફટકો પાડવાની તક શોધતા હતા. ભારત રશિયા પાસેથી મોટા પાયે ખનીજ તેલ ખરીદે છે. તેની આવક રશિયાને મળતી બંધ થાય એ માટે ટ્રમ્પે ભારતનું નાક દબાવવાની પેરવી કરી છે. ભારતીય માલ પર 25% ટેરિફ લગાવી ચૂકેલા ટ્રમ્પે રશિયન ક્રૂડની ખરીદી પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરીને ભારત પર ટેરિફનું કુલ ભારણ 50% કરી નાંખ્યું છે.

ચીન છે અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ

ચીન અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, ત્યારે ભારત ચીન જેટલુ મહત્તવ ધરાવતુ નથી. H-1B વિઝા અને આઉટસોર્સિંગના મુદ્દા બાબતે પણ અમેરિકા અને ભારત વચ્ચે વર્ષોથી તણાવ છે. રશિયાના કાચા ખનીજ તેલનું શુદ્ધિકરણ કરીને એને યુરોપ સહિતના અન્ય દેશોમાં નિકાસ કરવામાં ભારત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે અમેરિકાને ખૂંચે છે. આ બધા કારણસર અમેરિકા ભારત સામે આકરું વલણ રાખે છે અને ચીનને સાચવી લે છે.

જોકે ચીન-અમેરિકા વચ્ચે ‘બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા’ અને ‘સરકારી હસ્તક્ષેપ નીતિઓ’ જેવા ઘણા મુદ્દે હજુ સમજૂતી સધાવાની બાકી છે અને નિષ્ણાતોને લાગે છે કે આ મુદ્દા બંને દેશ વચ્ચેના વેપારમાં ગમે ત્યારે ઉથલપાથલ સર્જી શકે છે.

આ પણ વાંચોઃ ઘરના મંદિરમાં ભૂલથી પણ આવી મૂર્તિઓ ન રાખો, તકલીફો વધી શકે

Back to top button