ટ્રેન્ડિંગધર્મનેશનલ

ભગવાન જગન્નાથની ચંદન યાત્રા ક્યારે અને કેટલા દિવસ માટે નીકળે છે? જાણો વિગતો

  • ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ચંદન રથયાત્રાનું વિશેષ મહત્ત્વ

જગન્નાથ પૂરી, 30 મે: પુરીની રથયાત્રા નિહાળવા દેશ-વિદેશના ભક્તો એકઠા થાય છે. પરંતુ આ પહેલા જગન્નાથ મંદિરમાં ચંદન રથયાત્રા પણ કાઢવામાં આવે છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં ઉજવાતી ચંદન યાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર યાત્રા લગભગ 42 દિવસ સુધી ચાલે છે. ચંદન યાત્રા ઉત્સવ બે ભાગમાં ઉજવવામાં આવે છે – ચંદનની બહાર અને ભીતર. આ તહેવારના સાક્ષી બનવા માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની ચંદન યાત્રાને જોવા માટે દૂર-દૂરથી ભક્તો ઉમટે છે.

 

ભગવાન જગન્નાથની ચંદન યાત્રા શું હોય છે?

ભગવાન જગન્નાથનો ચંદન યાત્રા ઉત્સવ બે ભાગમાં ઉજવવામાં આવે છે. પ્રથમ બહાર, બીજું ભીતર. બહાર ચંદન ઉત્સવ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે અને 21 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રથનું નિર્માણ કરવામાં આવે છે. આ સાથે મંદિરના મુખ્ય દેવી-દેવતાઓની પ્રતિનિધિ મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ આ મૂર્તિઓને નરેન્દ્ર તીર્થ તળાવમાં લાવવામાં આવે છે. આ પછી, આગામી 21 દિવસ સુધી ભીતર ચંદન યાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભીતર ચંદન યાત્રામાં ઘણા અનુષ્ઠાન (ધાર્મિક વિધિઓ) કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, અમાવસ્યા(અમાસ), પૂર્ણિમાની રાત, ષષ્ઠી અને શુક્લ પક્ષની એકાદશી પર રમતિયાળ સવારી થાય છે.

 

ચંદન યાત્રા શા માટે કરવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વૈશાખ અને જ્યેષ્ઠમાં આકરી ગરમી પડે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથને રાહત આપવા અને ગરમીથી બચાવવા માટે ચંદનની પેસ્ટ લગાવવામાં આવે છે. ચંદન યાત્રા દરમિયાન ભક્તો ભગવાનને ગરમીથી રાહત આપવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરે છે.

જગન્નાથ પૂરીની રથયાત્રા 2024

7 જુલાઈ 2024ના રોજ ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રા કાઢવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન જગન્નાથને રથયાત્રા કાઢીને પ્રસિદ્ધ ગુંડીચા માતાના મંદિરે લઈ જવામાં આવે છે, જ્યાં ભગવાન 7 દિવસ આરામ કરે છે. આ પછી ભગવાન જગન્નાથની પરત યાત્રા શરૂ થાય છે. એવું કહેવાય છે કે, ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથના માસીનું ઘર છે. ભગવાન જગન્નાથની રથયાત્રા એ દસ દિવસનો ઉત્સવ હોય છે. આ યાત્રામાં ભાગ લેવા અને ભગવાનના રથને ખેંચીને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે હજારો ભક્તો દેશના વિવિધ ખૂણેથી અહીં આવે છે. કહેવાય છે કે, જે પણ રથયાત્રામાં ભાગ લે છે તેને દરેક પ્રકારનું સુખ અને સમૃદ્ધિ મળે છે.

મહત્ત્વપૂર્ણ છે કે, જગન્નાથ મંદિરના રસોડાને વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. જગન્નાથ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રસાદને ‘મહાપ્રસાદ’ કહેવામાં આવે છે. 7 માટીના વાસણોમાં મહાપ્રસાદ રાંધવામાં આવે છે. મહાપ્રસાદ રાંધવામાં માત્ર લાકડાના અને માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલ અન્ય એક રહસ્ય એ છે કે, ગમે તેટલો સૂર્યપ્રકાશ હોય, આ મંદિરનો પડછાયો ક્યારેય  દેખાતો નથી.

આ પણ જુઓ: ક્યારે ભરાશે મહાકુંભ મેળો? જાણો તેના વિશેની મહત્ત્વની વાતો 

Back to top button