આ તો મારો પતિ છે… વરમાળા દરમિયાન સ્ટેજ પર આવી દુલ્હાની પહેલી પત્ની, કલાકો સુધી ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા

ઉત્તર પ્રદેશ: 19 નવેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં ત્યારે ભારે હોબાળો થઈ ગયો, જ્યારે વરરાજા બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો હતો અને તેની પહેલી પત્ની પોલીસ સાથે સ્થળ પર પહોંચી ગઈ. વરમાળા સમારોહ દરમિયાન, મહિલાએ વરરાજા પર પહેલેથી જ પરિણીત હોવાનો આરોપ લગાવ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
‘મારી પાસે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે’
મળતી માહિતી મુજબ, દુલ્હનના પરિવારે મહિલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે કારણ પૂછ્યું, ત્યારે મહિલાએ કહ્યું કે, ‘મારા લગ્ન આ માણસ સાથે 3 વર્ષ પહેલાં થયા છે. મારી પાસે લગ્નની તસવીરો, વીડિયો અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે.’
જોકે, વરરાજાએ આ આરોપોનો ઇનકાર કરતાં કહ્યું, “હું આ મહિલાને ઓળખતો નથી, મારા ક્યારેય લગ્ન થયા નથી.”
દુલ્હને લગ્ન કરવાની ના પાડી
પોલીસે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માન્યો. આ દરમિયાન, મહિલાના આરોપો સાંભળીને દુલ્હન ગુસ્સે થઈ ગઈ. તેણે લગ્ન કરવાની ના પાડી દીધી અને મંડપ છોડીને જતી રહી. થોડા સમય પછી, વરઘોડો દુલ્હન વિના જ પાછો ફર્યો.
આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિલોમીટર દૂર પૈકોલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પિરૈલા ગામમાં બની હતી. પોલીસ હાલ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાતી મહિલાનો દાવો
રિપોર્ટ અનુસાર, વાલ્ટરગંજ, ગણેશપુર નિવાસી વિનય અંગદ શર્મા ઉર્ફે લવકુશના લગ્ન પિરૈલા ગામની એક છોકરી સાથે નક્કી થયા હતા. સોમવારે રાત્રે 11:30 વાગ્યે જ્યારે લગ્નની વિધિઓ શરૂ થવાની હતી, ત્યારે રેશ્મા શર્મા નામની એક મહિલા પોલીસ સાથે પહોંચી.
રેશ્મા સ્ટેજ પાસે પહોંચી અને વરરાજાને કહ્યું કે, ‘તમે તો મારાથી પહેલાં જ લગ્ન કરી ચૂક્યા છો, પછી બીજા લગ્ન કેમ કરી રહ્યા છો?’
જોકે, વિનયે સંપૂર્ણપણે ઇનકાર કર્યો. વિનયના ઇનકાર બાદ રેશ્માએ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બતાવ્યું અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. તેણે પોલીસ અને જાનૈયાઓને વિનય સાથેના પોતાના લગ્નની તસવીરો પણ બતાવી.
રેશ્માએ જણાવ્યું કે તે અંકલેશ્વર, ગુજરાતની રહેવાસી છે અને વિનય સાથે તેનો 9 વર્ષ જૂનો સંબંધ છે. કોલેજમાં સાથે ભણતા હતા. 30 માર્ચ, 2022ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને 8 ડિસેમ્બર, 2022ના રોજ પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા હતા.
પોલીસનું નિવેદન
રેશ્માએ આરોપ લગાવ્યો કે, લગ્ન બાદ તેમના સંબંધો બગડ્યા અને મામલો કોર્ટમાં છે, છતાં તલાક વિના જ વિનયે બીજા લગ્ન કરવાની કોશિશ કરી. આ ઘટનાના સંબંધમાં પૈકોલિયા પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે, ‘પહેલી પત્નીના આરોપો ગંભીર છે. છૂટાછેડા વિના બીજા લગ્ન કાયદેસર રીતે અમાન્ય છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’
આ પણ વાંચોઃ પિયર કે સાસરિયા પક્ષને… વિધવા મહિલાના મૃત્યુ બાદ તેની સંપત્તિ કોને મળશે? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું
આ પણ વાંચોઃ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ચિપ્સના પેકેટમાંથી નીકળેલું રમકડું ગળી જતાં 4 વર્ષના માસૂમનું મૃત્યુ












