ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘અમે અમારી શરતો પર કરાર કરીએ છીએ…’ ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન

નવી દિલ્હીઃ 4 જુલાઈ, 2025: US-INDIA Trade Deal: અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કર્યા બાદ ભારતીય જૂથ વોશિંગ્ટનથી પરત ફર્યું છે. આ કરારને નવ જુલાઈ પહેલાં અંતિમ રૂપ આપી શકાય તેવી સંભાવના છે. ભારત-અમેરિકા વેપાર કરાર પર પીયુષ ગોયલનું નિવદેન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત પોતાના શરતો પર કરાર કરશે.

બે બાજુનો ફાયદો હોય ત્યારે જ કરાર થાય

પીયુષ ગોયલે કહ્યું કે, વિવિધ દેશ સાથે ચર્ચા ચાલી રહી છે. યુરોપિયન યુનિયન હોય, ન્યૂઝીલેન્ડ હોય, ઓમાન હોય, અમેરિકા હોય, પેરૂ, અનેક દેશો સાથે એગ્રીમેન્ટ પર વાત ચાલી રહી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ત્યારે જ સંભવ હોય જ્યારે બે બાજુનો ફાયદો હોય.

રાષ્ટ્રીય હિત સર્વોપરી

પીયુષ ગોયલે કહ્યું કે, ભારતના હિતને સંરક્ષિત કરતી વખતે રાષ્ટ્રીય હિત હંમેશા સર્વોપરી રહેશે. આ વાતને ધ્યાનમાં રાખીને, જો કોઈ સારી ડીલ થાય છે, તો ભારત વિકસિત દેશો સાથે કરાર કરવા તૈયાર છે. ભારત ક્યારેય સમયમર્યાદા કે ડેડલાઇનના આધારે કોઈ કરાર કરતું નથી. જ્યારે કોઈ સારો કરાર બને છે અને તે દેશ હિતમાં હોય તો જ તેનો સ્વીકાર કરવામાં આવે છે. પરંતુ, કૃષિ અને વાહન સેક્ટરમાં અમુક મુદ્દાને હજુ પણ ઉકેલવાની જરૂર છે. તેથી તેની ચર્ચા શરૂ રહેશે.

9 જુલાઈ પહેલા લેવાશે નિર્ણય?

વાટાઘાટો બાદ ભારતીય ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને 9 જુલાઈ પહેલા તેમના નિષ્કર્ષની જાહેરાત થવાની અપેક્ષા છે, જે ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જવાબી ટેરિફના 90 દિવસના સસ્પેન્શન સમયગાળાનો છેલ્લો દિવસ છે.

જવાબી ટેરિફનો અધિકાર સુરક્ષિત

અધિકારીએ કહ્યું કે, “ભારતીય ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે. વાટાઘાટો શરૂ રહેશે. કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં કેટલાક મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે.” ભારતે WTOને એમ પણ કહ્યું છે કે, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર યુએસ ટેરિફના જવાબમાં ગણતરીના અમેરિકન ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવવાનો અધિકાર સુરક્ષિત રાખ્યો છે.

9 જુલાઈએ ખતમ થશે રેસિપ્રોકલ ટેક્સની છૂટ

નોંધનીય છે કે, ભારતીય ટીમ અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરવા માટે 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટનમાં હતી. આ વાટાઘાટો મહત્ત્વપૂર્ણ છે કારણ કે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય 9 જુલાઈના રોજ સમાપ્ત થાય છે. બંને પક્ષો તે પહેલાં વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છે.

2 એપ્રિલના રોજ, અમેરિકાએ ભારતીય માલ પર વધારાના 26 ટકા જવાબી ટેક્સ લાદ્યો હતો. પરંતુ તેને 90 દિવસ માટે સ્થગિત કરી દીધો હતો. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10 ટકા મૂળ ટેક્સ હજુ પણ લાગુ છે. ભારતત વધારાના 26 ટકા ટેક્સ પરથી છૂટ ઈચ્છે છે.

આ પણ વાંચોઃ કોલ્હાપુરી ચંપલની નકલ પર ઘેરાઇ લક્ઝરી બ્રાન્ડ ‘પ્રાડા’, કારીગરોએ કરી વળતર અને માફીની માંગ

આ પણ વાંચોઃ ચાંદખેડામાં સોપારીનો વેપારી વ્યાજખોરોની દાદાગીરીનો શિકાર બન્યો

Back to top button