ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિહાર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ચાર ઘાયલ, AAPએ કહ્યું – કેજરીવાલનો જીવ જોખમમાં

  • દિલ્હીની તિહાર જેલમાં કેદીઓ વચ્ચે થયો ઝઘડો
  • કેદીઓએ સોય વડે કર્યો એક-બીજા ઉપર હુમલો
  • હુમલામાં ચાર કેદી થયા ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

દિલ્હી, 25 એપ્રિલ: તિહાર જેલમાં દબદબો જાળવી રાખવા માટે કેદીઓના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. આ પછી વિવાદ એટલો વધી ગયો કે બંને જૂથોએ એકબીજા પર સોય વડે હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં ચાર કેદીઓ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન પણ પ્રકાશમાં આવ્યું છે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

તિહાર જેલમાં બે જૂથો વચ્ચે અથડામણ

જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે (22 એપ્રિલ) રાત્રે તિહાર જેલ નંબર 3માં બની હતી. અહીં શૌચાલયમાં પ્રવેશ અને દબદબો જાળવી રાખવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી સોય વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ચાર કેદીઓ ઘાયલ થયા હતા. જે સોય વડે હુમલો કરવામાં આવ્યો હતો તે સોયને જેલમાં જ બનાવવામાં આવી હતી.

એલાર્મ વાગતા જેલના વોર્ડર્સ ઘટનાસ્થળે પહોંચ્યા

બે જૂથ વચ્ચે જેલમાં અથડામણ થયાની સાથે જ અન્ય કેદીઓએ એલાર્મ વગાડ્યું હતું ત્યાર બાદ જેલના વોર્ડર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ કેદીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલ કેદીઓની ઓળખ દુર્ગેશ, દીપક, ધીરજ અને દિનેશ તરીકે થઈ છે. આ ઘટના બાદ હરિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કેદીઓ વચ્ચે જૂથ અથડામણ… AAPએ કહ્યું- તિહાર જેલમાં કેજરીવાલનો જીવ જોખમમાં

તિહારમાં કેદીઓ વચ્ચેની લડાઈ બાદ આમ આદમી પાર્ટીનું નિવેદન પણ આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘શું તમે જાણો છો કે તિહાર જેલમાં પણ હત્યાઓ થઈ છે.’ સંજય સિંહે વધુમાં કહ્યું કે, ‘કાલે અરવિંદ કેજરીવાલ પર પણ આવો હુમલો થશે તો કોણ જવાબદાર? અમે તિહાર જેલમાં સીએમ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે.’ AAPએ તિહાર જેલમાં સુરક્ષાની ખામી અને સોમવારની રાત્રે થયેલી હિંસાને ટાંકીને આ વાત કહી હતી.

આ પણ વાંચો: ગુજરાતનો બુટલેગર મોહમ્મદ ફારુક ભારતીય સૈન્યના વેશમાં મહારાષ્ટ્રમાં દારુની ખેપ કરતાં ઝડપાયો

Back to top button